બિહાર ચૂંટણીમાં સી.આર.પાટીલને ભાજપાએ સોંપી મહત્વની જવાબદારી
નવી દિલ્હીઃ બિહાર વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી જીતવા માટે રણનીતિ બનાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ બિહારમાં જીત માટે ગુજરાતના સાંસદ અને કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ, ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને ધર્મેન્દ્ર પ્રધાનને મહત્વની જવાબદારી સોંપી છે.
બિહારમાં ભાજપના ચૂંટણી પ્રભારી ધર્મેન્દ્ર પ્રભારી, સહ ચૂંટણી પ્રભારી સી.આર.પાટીલ અને કેશવ પ્રસાદ મૌર્ય વચ્ચે વિધાનસભાની બેઠકોની વહેંચણી કરવામાં આવી છે. પાટીલ અને મૌર્યને લોકસભાની 13-13 બેઠકોની વિધાનસભા બેઠકો અને ધર્મેન્દ્ર પ્રધાનને લોકસભાની 14 બેઠક હેઠળ આવતી વિધાનસભાની બેઠકોની જવાબદારી સોંપવામાં આવી છે. સી.આર.પાટીલને લોકસભાની પૂર્ણિયા, અરરિયા, બેગુસરાય, ભાગલપુર, મુંગેર, કિશનગંજ, સમસ્તીપુર, મધેપુર, જમુઈ, સુપૌલ, જવાદા, ખગડિયાની જવાબદારી સોંપવામાં આવી છે. આમ વિધાનસભાની 78 બેઠકોની કામગીરી સોંપવામાં આવી છે. કેશનપ્રસાદ મૌર્યને વિધાનસભાની 78 બેઠકોની જવાબદારી સોંપવામાં આવી છે જેમાંથી મોટાભાગની બેઠકો ઉપરપ્રદેશ સરહદ પાસે છે. જ્યારે ધર્મેન્દ્ર પ્રધાનને લોકસભાની 14 બેઠકો હેઠળ આવતી વિધાનસભાની 87 બેઠકોની જવાબદારી સોંપવામાં આવી છે. આ બેઠકો ઉપર ભાજપા અને એનડીએના ઉમેદવારોની જીત સુનિશ્ચિત કરવાની, રણનીતિ બનાવવાની અને પ્રચાર-પ્રસારની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત ટીકીટની ફાળવણી બાદ સ્થાનિક નેતાઓમાં નારાજગી દૂર કરવા સહિતની કામગીરી પણ સોંપવામાં આવી છે.