બાયો ઇકોનોમી ટકાઉ વિકાસ અને નવીનતાને વેગ આપે છે: પીએમ
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો સંદેશ મારફતે જિનોમ ઇન્ડિયા પ્રોજેક્ટની શરૂઆતમાં પોતાની ટિપ્પણી કરી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, આજે ભારતે સંશોધનનાં ક્ષેત્રમાં ઐતિહાસિક પગલું ભર્યું છે. તેમણે ઉમેર્યું હતું કે જીનોમ ઇન્ડિયા પ્રોજેક્ટને 5 વર્ષ પહેલાં મંજૂરી આપવામાં આવી હતી અને કોવિડ રોગચાળાના પડકારો હોવા છતાં આપણા વૈજ્ઞાનિકોએ ખંતપૂર્વક કામ કર્યું છે અને પ્રોજેક્ટ પૂર્ણ કર્યો છે. શ્રી મોદીએ નોંધ્યું હતું કે, આઈઆઈએસસી, આઈઆઈટી, સીએસઆઈઆર અને ડીબીટી-બ્રિક જેવી 20થી વધારે પ્રસિદ્ધ સંશોધન સંસ્થાઓએ આ સંશોધનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેમણે ઉમેર્યું હતું કે, 10,000 ભારતીયોની જીનોમ સિક્વન્સ ધરાવતો ડેટા હવે ઇન્ડિયન બાયોલોજિકલ ડેટા સેન્ટર ખાતે ઉપલબ્ધ છે. શ્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આ પ્રોજેક્ટ બાયોટેકનોલોજી સંશોધનનાં ક્ષેત્રમાં સીમાચિહ્નરૂપ સાબિત થશે તથા પ્રોજેક્ટ સાથે સંકળાયેલા તમામ હિતધારકોને અભિનંદન આપ્યાં હતાં.
મોદીએ કહ્યું હતું કે, "જિનોમ ઇન્ડિયા પ્રોજેક્ટ બાયોટેકનોલોજી ક્રાંતિમાં મહત્ત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે." તેમણે નોંધ્યું હતું કે, આ પ્રોજેક્ટે વિવિધ વસતીનાં 10,000 વ્યક્તિઓનાં જીનોમને અનુક્રમિત કરીને સફળતાપૂર્વક વૈવિધ્યસભર આનુવંશિક સંસાધનનું સર્જન કર્યું છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, આ ડેટા હવે વૈજ્ઞાનિકો અને સંશોધકોને ઉપલબ્ધ થશે, જે ભારતની આનુવંશિક સ્થિતિને સમજવામાં વિદ્વાનોને મદદરૂપ થશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ માહિતી દેશની નીતિઘડતર અને આયોજનમાં મોટા પાયે મદદરૂપ થશે.
નિષ્ણાતો અને વૈજ્ઞાનિકોને સંબોધન કરતા અને ભારતની વિશાળતા અને વિવિધતા પર ભાર મૂકતા, માત્ર ખોરાક, ભાષા અને ભૂગોળમાં જ નહીં, પણ તેના લોકોની આનુવંશિક રચનામાં પણ, વડા પ્રધાને નોંધ્યું હતું કે, રોગોના પ્રકારમાં મોટા પ્રમાણમાં ફેરફાર થાય છે, જેનાથી અસરકારક ઉપચારો નક્કી કરવા માટે વસતીની આનુવંશિક ઓળખને સમજવી જરૂરી બને છે. તેમણે આદિજાતિ સમુદાયોમાં સિકલ સેલ એનિમિયાનાં નોંધપાત્ર પડકાર અને તેનો સામનો કરવા માટેના રાષ્ટ્રીય મિશન પર પ્રકાશ પાડ્યો. તેમણે નોંધ્યું હતું કે, આ સમસ્યા વિવિધ પ્રદેશોમાં ભિન્ન હોઈ શકે છે, અને ભારતીય વસતીની વિશિષ્ટ જીનોમિક પેટર્નને સમજવા માટે સંપૂર્ણ આનુવંશિક અભ્યાસ જરૂરી છે. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ સમજણ ચોક્કસ જૂથો માટે ચોક્કસ ઉપાયો અને અસરકારક ઔષધિઓ વિકસાવવામાં મદદરૂપ થશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે અવકાશ ખૂબ વ્યાપક છે અને સિકલ સેલ એનિમિયા એ માત્ર એક ઉદાહરણ છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતમાં ઘણાં આનુવંશિક રોગો વિશે જાગૃતિનો અભાવ છે, જે એક પેઢીથી બીજી પેઢીમાં પસાર થાય છે અને જીનોમ ઇન્ડિયા પ્રોજેક્ટ ભારતમાં આ પ્રકારનાં તમામ રોગો માટે અસરકારક સારવાર વિકસાવવામાં મદદ કરશે.
મોદીએ જણાવ્યું હતું કે, "21મી સદીમાં જૈવ પ્રૌદ્યોગિકી અને બાયોમાસનું મિશ્રણ જૈવ અર્થતંત્ર તરીકે વિકસિત ભારત માટે મહત્વપૂર્ણ પાયો છે." તેમણે નોંધ્યું હતું કે, જૈવ અર્થતંત્રનો ઉદ્દેશ કુદરતી સંસાધનોનો મહત્તમ ઉપયોગ, જૈવ-આધારિત ઉત્પાદનો અને સેવાઓને પ્રોત્સાહન તથા આ ક્ષેત્રમાં રોજગારીની નવી તકોનું સર્જન કરવાનો છે. તેમણે ઉમેર્યું હતું કે, બાયો ઇકોનોમી સ્થાયી વિકાસ અને નવીનતાને વેગ આપે છે. પ્રધાનમંત્રીને એ જાણીને આનંદ થયો હતો કે છેલ્લાં એક દાયકામાં ભારતનું બાયો ઇકોનોમી ઝડપથી વિકસ્યું છે, જે વર્ષ 2014માં 10 અબજ ડોલર હતું. જે અત્યારે વધીને 150 અબજ ડોલરથી વધારે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત તેની બાયો ઇકોનોમીને નવી ઊંચાઈએ લઈ જવા આતુર છે અને તાજેતરમાં બાયો E3 પોલિસી શરૂ કરી છે. આ નીતિના વિઝનને સ્પર્શતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે, તેનાથી ભારતને આઇટી ક્રાંતિની જેમ વૈશ્વિક બાયોટેક લેન્ડસ્કેપમાં અગ્રણી તરીકે ઊભરવામાં મદદ મળશે. તેમણે આ પ્રયાસમાં વૈજ્ઞાનિકોની નોંધપાત્ર ભૂમિકાને સ્વીકારી હતી અને તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.
મુખ્ય ફાર્મા કેન્દ્ર તરીકે ભારતની વિકસતી ભૂમિકા પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, છેલ્લાં એક દાયકામાં ભારતે સરકારી આરોગ્ય સેવા ક્ષેત્રે ક્રાંતિકારી પગલાં લીધા છે. લાખો ભારતીયોને નિઃશુલ્ક સારવાર પ્રદાન કરી છે, જન ઔષધિ કેન્દ્રો મારફતે 80 ટકા ડિસ્કાઉન્ટ પર દવાઓની ઓફર કરી છે અને આધુનિક તબીબી માળખાનું નિર્માણ કર્યું છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, કોવિડ-19 રોગચાળા દરમિયાન ભારતની ફાર્મા ઇકોસિસ્ટમે તેની તાકાત સાબિત કરી હતી. તેમણે નોંધ્યું હતું કે, ભારતમાં દવા ઉત્પાદન માટે મજબૂત પુરવઠો અને મૂલ્ય શ્રૃંખલાની સ્થાપના કરવા પ્રયાસો થઈ રહ્યાં છે. તેમણે ટિપ્પણી કરી હતી કે જીનોમ ઇન્ડિયા પ્રોજેક્ટ આ પ્રયત્નોને વધુ વેગ અને ઉત્સાહિત કરશે.
મોદીએ જણાવ્યું હતું કે, "વિશ્વ વૈશ્વિક સમસ્યાઓના સમાધાન માટે ભારત તરફ નજર રાખી રહ્યું છે, જે ભવિષ્યની પેઢીઓ માટે જવાબદારી અને તક બંને પ્રસ્તુત કરે છે." તેમણે નોંધ્યું હતું કે, ભારત છેલ્લાં એક દાયકામાં શિક્ષણનાં તમામ સ્તરે સંશોધન અને નવીનતા પર મજબૂત ધ્યાન કેન્દ્રિત કરીને એક વિશાળ સંશોધન ઇકોસિસ્ટમનું નિર્માણ કરી રહ્યું છે. મોદીએ જણાવ્યું હતું કે, "10,000થી વધારે અટલ ટિંકરિંગ લેબ્સ વિદ્યાર્થીઓને દરરોજ નવા પ્રયોગો કરવા સક્ષમ બનાવે છે." તેમણે નોંધ્યું હતું કે, યુવાન નવપ્રવર્તકોને ટેકો આપવા માટે દેશભરમાં સેંકડો અટલ ઇન્ક્યુબેશન સેન્ટર્સની સ્થાપના કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે પીએચડી અભ્યાસ દરમિયાન સંશોધનને ટેકો આપવા માટે પીએમ રિસર્ચ ફેલોશિપ યોજના પણ લાગુ કરવામાં આવી રહી છે. બહુશાખાકીય અને આંતરરાષ્ટ્રીય સંશોધનને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય સંશોધન કોષની રચના કરવામાં આવી હોવાનું જણાવતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અનુસંધાન નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન વિજ્ઞાન, એન્જિનીયરિંગ, પર્યાવરણ અને સ્વાસ્થ્ય જેવા ક્ષેત્રોને ટેકો આપશે. તેમણે નોંધ્યું હતું કે, સરકારે સનરાઇઝ ટેકનોલોજીમાં સંશોધન અને રોકાણને વેગ આપવા માટે એક લાખ કરોડ રૂપિયાનું ભંડોળ ઊભું કરવાનો પણ નિર્ણય લીધો છે, જે બાયોટેકનોલોજી ક્ષેત્રનાં વિકાસમાં મદદરૂપ થશે અને યુવાન વૈજ્ઞાનિકોને ટેકો આપશે.