અમેરિકામાં પાકિસ્તાનના સેના પ્રમુખ ઉપર પ્રતિબંધ લગાવવાની માંગણી સાથે બિલ સંસદમાં રજૂ કરાયું
અમેરિકા પાકિસ્તાનના આર્મી ચીફ પર પ્રતિબંધો લાદી શકે છે. આ અંગે અમેરિકન સંસદમાં એક બિલ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીર પર રાજકીય વિરોધીઓને દબાવવાનો આરોપ લગાવીને પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે. આ બિલમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને જેલમાંથી મુક્ત કરવાની પણ માંગ કરવામાં આવી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દક્ષિણ કેરોલિનાના રિપબ્લિકન સાંસદ જો વિલ્સન અને કેલિફોર્નિયાના ડેમોક્રેટિક સાંસદ જીમી પેનેટાએ સંસદમાં 'પાકિસ્તાન ડેમોક્રેસી એક્ટ' નામનું બિલ રજૂ કર્યું હતું. આ બિલમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે જનરલ અસીમ મુનીર રાજકીય વિરોધીઓના દમન અને જેલમાં ધકેલી દેવામાં ઇરાદાપૂર્વક સામેલ હતા. આ બિલમાં પાકિસ્તાની આર્મી ચીફ પર પ્રતિબંધ લાદવાની માંગ કરવામાં આવી છે. જે બાદ પાકિસ્તાની આર્મી ચીફ અમેરિકામાં પ્રવેશી શકશે નહીં અને અમેરિકા સ્થિત તેમની મિલકત પણ જપ્ત કરવામાં આવશે. આ બિલમાં પાકિસ્તાની આર્મી ચીફ તેમજ અન્ય ઘણા લોકો પર પ્રતિબંધની માંગ કરવામાં આવી છે.
બિલ રજૂ કરનારા જો વિલ્સને ભૂતપૂર્વ પીએમ ઇમરાન ખાન પર રાજકીય જેલમાં રાખવાનો આરોપ લગાવ્યો અને આ માટે પાકિસ્તાન સેનાને જવાબદાર ઠેરવી. ઇમરાન ખાન અનેક કેસોમાં દોષિત ઠર્યા બાદ જેલની સજા ભોગવી રહ્યા છે. ઈમરાન ખાનની ઓગસ્ટ 2023 માં ધરપકડ કરવામાં આવી હતી અને હાલમાં તે રાવલપિંડીની ઉચ્ચ સુરક્ષાવાળી અદિયાલા જેલમાં બંધ છે. ઇમરાન ખાનની પાર્ટી અનુસાર, પૂર્વ પીએમ વિરુદ્ધ 200 થી વધુ કેસ નોંધાયેલા છે, જેમાંથી કેટલાકમાં તેમને દોષિત પણ ઠેરવવામાં આવ્યા છે. વિલ્સને આ મામલે રાષ્ટ્રપતિ ટ્રમ્પને પત્ર પણ લખ્યો હતો અને પાકિસ્તાન સેના પર દબાણ લાવવાની અપીલ કરી હતી. ઉપરાંત, ઇમરાન ખાનને મુક્ત કરવાની માંગ પણ કરવામાં આવી છે.