જામનગર-કાલાવડ હાઈવે પર પીકઅપ વાને ટક્કર મારતા બાઈકચાલકનું મોત
- કાલાવડ હાઈવે પર રણુજા નજીક સર્જાયો અકસ્માત
- બાઈકસવાર દાદીને ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયા
- પોલીસે બોલેરો પીક-અપ વાન સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી
જામનગરઃ જિલ્લામાં રોજબરોજ રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે જામનગર-કાલાવડ હાઈવે પર પીકઅપવાન અને બાઈક વચ્ચે વધુ એક અકસ્માત સર્જાયો હતો. જેમાં પીકઅપ વાન બોલેરોએ બાઈકને અડફેટે લેતા બાઈકચાલક યુવાનનું મોત નિપજ્યું હતું. જ્યારે બાઈકસવાર યુવાનના દાદીને ગેભીર ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
અકસ્માતના આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, જામનગર-કાલાવડ હાઈવે પર રણુજા નજીક એક બાઈક અને બોલેરો પીકપ વાન વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો, જેમાં ધુડસીયા ગામના દાદી પૌત્ર ઇજાગ્રસ્ત બન્યા હતા. જેમાં બાઈક સવાર યુવાનને માથામાં ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું હતું, જયારે બાઈક પાછળ બેઠેલા દાદીને ફ્રેક્ચર સહિતની ઈજાઓ થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ જામનગર તાલુકાના ધૂડશિયા ગામમાં રહેતો ક્રિશ કેતનભાઇ માધાણી નામનો 22 વર્ષનો યુવાન પોતાના બાઈકમાં સવારે 11.00 વાગ્યાના અરસામાં પોતાના દાદી સામુબેનને બેસાડીને કાલાવડના રણુજા રોડ ઉપરથી પસાર થઈ રહ્યો હતો.ત્યારે સામેથી પુરપાટ ઝડપે આવી રહેલી જી.જે.10 ટી.વાય. 1670 નંબરની બોલેરો પીકપ વાનના ચાલકે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો, જે અકસ્માતમાં દાદી પૌત્ર ઘાયલ થયા હતા. જેમાં પૌત્ર કે જેને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી, અને ખોપડી ફાટી જવાના કારણે તેનું ઘટના સ્થળેજ કરુણ મૃત્યુ નીપજ્યું હતું. પાછળ બેઠેલા દાદી સામુબેનને ફ્રેક્ચર સહિતની નાની મોટી ઈજા થઈ હોવાથી સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતના બનાવ અંગે મૃતક ક્રિશના પિતા કેતનભાઇ બાબુભાઈ માઘાણીએ જામનગરના પંચકોસી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.