ડીસા હાઈવે પર રતનપુરા નજીક ટ્રેલરની અડફેટે બાઈકસવારનું મોત
- હાઈવે પરની હોટલ પર ટ્રેલર મુકીને ચાલક નાસી ગયો
- પૂરફાટ ઝડપે ટ્રેલરે બાઈક અડફેટે લીધુ હતું
- નાસી ગયેલા ટ્રેલરચાલકને પકડવા પોલીસે શોધખોળ આદરી
ડીસાઃ નેશનલ હાઈવે પર રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે ડીસા હાઈવે પર રતનપુરા નજીક પૂરફાટ ઝડપે આવેલા ટ્રેલરે બાઈકને અડફેટે લેતા બાઈકસવારનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ ટ્રેઈલર ચાલક ટ્રેઈલર એક હોટલ પાસે મૂકી નાસી છૂટ્યો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.
આ અકસ્માતના બનાવની વિગત એવી જાણવા મળી છે કે, શિહોરી-ડીસા નેશનલ હાઇવે પર રતનપુરા નજીક ટ્રેઈલરે બાઈકને જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી ભયાનક હતી કે બાઈકના કુરચા કુરચા થઈ ગયા હતા. બાઈક પર સવાર યુવાનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ ટ્રેઈલર ચાલક ટ્રેઈલર એક હોટલ પાસે મૂકી નાસી છૂટ્યો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શિહોરી-ડીસા નેશનલ હાઇવે પર રતનપુરા પાસે ટ્રેઈલર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. શિહોરી તરફથી ડીસા તરફ જઈ ટ્રેઈલર નં આરજે-58-જીએ-0078 નાં ચાલકે પૂર ઝડપે અને ગફલતભર્યું ડ્રાઇવિંગ કરતાં આગળ જતાં બાઈકને પાછળથી ટક્કર મારી હતી. જેથી બાઈક ચાલક મેઠાજી ભુદરજી ઠાકોર(રહે કણઝરા, તા.ડીસા)નું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. ટક્કર એટલી જોરદાર હતી કે ,બાઈકના કુરચા કુરચા થઈ ગયા હતા. ટ્રેઈલર ચાલક ટ્રેઈલર લઇને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.અને આગળ એક હોટલ પાસે ટ્રેઈલર મૂકી નાસી છૂટ્યો હતો. લોકો એ ટ્રેઈલરને અટકાવી શિહોરી પોલીસને જાણ કરી હતી. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મૃતકની લાશને શિહોરી રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડી હતી. અકસ્માતના સમાચાર મળતાં રતનપુરાના સરપંચ અરવિંદજી તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા.ટ્રેઈલર મૂકી ભાગી ગયેલા ચાલકની શિહોરી પોલીસે શોધખોળ હાથ ધરી હતી. અકસ્માતમાં બાઈકનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.