વડોદરા નજીક હાઈવે પર પૂરફાટ ઝડપે ટ્રકે બાઈકને ટક્કર મારતા બાઈકચાલકનું મોત
- બે યુવાનો સુરતથી બાઈક પર દિવાળીમાં વતન ઘોઘંબા જઈ રહ્યા હતા,
- અજાણ્યા વ્યક્તિએ ફોન કરી પોલીસને અકસ્માતની જાણ કરી,
- હરણી પોલીસે આરોપી ટ્રક ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી,
વડોદરાઃ રાજ્યમાં હાઈવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે વડોદરા નજીક દરજીપુરા એરફોર્સ સ્ટેશન પાસે હાઈવે પર બાઈક અને ટ્રક-ટ્રેલર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં સુરતથી ઘોઘંબા દિવાળી પર્વની ઉજવણી કરવા જઈ રહેલા બાઈકસવાર 19 વર્ષીય યુવકનું મોત નિપજ્યુ હતુ. આ બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અને પોલીસે આરોપી ટ્રક ચાલકની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. બાઈકસવાર મૃતક પંકજ અને અન્ય શખસ બાઇક લઇને સુરતથી ઘોઘંબા જઊ રહ્યા હતા. ત્યારે અકસ્માત થયો હતો. ઉલ્લેખનીય છે કે મૃતકના એક વર્ષ પહેલા જ લગ્ન થયા હતા.
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના સાતલીયા ગામના રહેવાસી તખતભાઈ શંકરભાઈ બારીયા (ઉંમર 38 વર્ષ)એ હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, શનિવારે મોડીરાત્રે તેમના સાળા પંકજભાઈ છત્રસિંહ બારીયા (ઉંમર 19 વર્ષ, રહે. પાદેડી (ઝાબકુવા), તા. ઘોઘંબા, જિ. પંચમહાલ)નું દરજીપુરા એરફોર્સ બ્રિજ પર થયેલા અકસ્માતમાં મોત થયું છે. આ અકસ્માતમાં ટ્રેલરના ચાલકે બેદરકારીથી વાહન ચલાવીને મોટર સાઇકલને ટક્કર મારી હતી અને ત્યારબાદ ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, તખતભાઈ અને તેમના સાળા પંકજભાઈ સહિત ગામના અન્ય લોકો સુરતમાં સેન્ટિંગનું કામ કરી પરિવારનું ગુજરાત ચલાવે છે. દિવાળીના તહેવારને કારણે તેઓ વતન પરત ફરી રહ્યા હતા. તખતભાઈ અને અન્ય સંબંધીઓ ઇકો વાનમાં મુસાફરી કરી રહ્યા હતા, જ્યારે પંકજભાઈ અને તેમના ગામના અશ્વિનભાઈ રમેશભાઈ બારીયા બાઈક પર સવાર હતા. ટ્રાફિકને કારણે તેમની બાઇક આગળ નીકળી ગઈ હતી. તખતભાઈ કરજણ હાઈવે પર હતા, ત્યારે રાત્રે આશરે 7 વાગ્યે અશ્વિનભાઈના મોબાઈલથી અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો અને અકસ્માતની જાણ કરી હતી. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ તરફથી પણ ફોન આવ્યો હતો કે, ઇજાગ્રસ્તોને વડોદરાની સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. તખતભાઈ અને અન્ય લોકો એક કલાક પછી દરજીપુરા બ્રિજ પર પહોંચ્યા, ત્યારે ટ્રેલર નંબર HR-46-E-1619 અકસ્માત સ્થળે ઉભું હતું.
સ્થાનિક લોકોના કહેવા મુજબ ટ્રક- ટ્રેલરના ચાલકે પૂરપાટ ઝડપે અને બેદરકારીથી વાહન ચલાવીને બાઈકને ટક્કર મારી હતી. મોટરસાયકલ બ્રિજના ઉપરના ભાગે પડેલી હતી. સયાજી હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે જણાવ્યું હતું કે, અકસ્માતમાં પંકજને ગંભીર ઇજા થઈ હતી અને રાત્રે 7.30 વાગ્યે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે અશ્વિનભાઈને સામાન્ય ઇજા થઈ હતી. હરણી પોલીસે અકસ્માતના કેસમાં તપાસ શરૂ કરી છે અને ટ્રક ચાલકને ઝડપી પાડ્યો હતો.