વડોદરા હાઈવે પર બાઈક ટ્રેકટર ટ્રોલી અથડાયુ, રોડ પર પડેલા દંપત્તી પર ટ્રકના ટાયર ફરી વળ્યા
- નેશનલ હાઇવે 48 પર કપુરાઈ ચોકડી પર સર્જાયો ગમખ્વાર અકસ્માત
- પતિ-પત્ની બાઈક લઈને કરિયાણુ લેવા માટે જઈ રહ્યા હતા
- બાઈકનું સ્ટિયરિંગ ટ્રેકટર ટ્રોલીમાં ફસાયા બાદ રોડ પર પટકાયા અને ટ્રકે અડફેટે લીધા
વડોદરાઃ શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ વડોદરા નજીક નેશનલ હાઇવે-48 પર કપૂરાઈ ચોકડી પાસે સર્જાયો હતો. બાઇકસવાર દંપતી ટ્રેક્ટરની ટ્રોલી નીચે આવ્યા બાદ ટ્રક તેમના પર ચડી જતાં પતિ-પત્ની બન્નેના મોત નિપજ્યા હતા..
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, વડોદરા પાસેથી પસાર થતા નેશનલ હાઇવે 48 પર કપુરાઈ ચોકડી નજીક બાઈક પર સમીર શાહ અને તેમના પત્ની બીના શાહ જઈ રહ્યા હતા ત્યારે ટ્રેકટરની ટ્રોલી પાછળ બાઈક અથડાતા દંપત્તી પ્રથમ ટ્રોલી નીચે આવી ગયા હતા અને બાદમાં પાછળથી આવતી ટ્રક તેના પર ચડી જતા આ અકસ્માતમાં પતિ-પત્નીનું મોત નીપજ્યું હતું આ અકસ્માતમાં મૃત્યુ પામેલાં પતિ-પત્ની શહેરના વૈકુંઠ ચાર રસ્તા પાસે આવેલી સુંદરમ હાઇટ્સ સોસાયટીમાં રહેતાં હતાં. પતિ સમીર સુમન શાહ અને તેમનાં પત્ની બીના સમીર શાહ જરોલા વાઘા ડભોઇ પાસે કરિયાણાની દુકાન ખાતે જતાં હતાં. ત્યારે આ અકસ્માતનો બનાવ બન્યો હતો. .આ મામલે કપુરાઈ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. હાલમાં બંનેના મૃતદેહને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સમગ્ર મામલે કપુરાઈ પોલીસે ટેક્ટર કબજે કર્યું છે.
આ અંગે કપુરાઇ પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.સી. રાઓલે જણાવ્યું હતું કે, આ અકસ્માતમાં ટ્રેક્ટરની ટ્રોલીમાં બાઈક ચાલકનું સ્ટીયરિંગ ફસાઈ જતા ફંગોળાયા હતા. બાદમાં તેઓ પ્રથમ ટ્રોલી નીચે આવી ગયા હતા અને બાદમાં પાછળથી આવતી ટ્રક તેના પર ચડી જતા આ અકસ્માતમાં પતિ-પત્નીનું મોત નીપજ્યું હતું. આ બનાવ કઈ રીતે બન્યો છે તેની તપાસ કરવામાં આવી રહી છે.
આ અકસ્માતના બનાવની જાણ થતાં મૃતક દંપતીના પરિવારજનો અને સોસાયટીના લોકો પોસ્ટમોર્ટમ રૂમ ખાતે પહોંચ્યા હતા. આ દંપતીને સંતાનમાં એક દીકરી અને એક દીકરો છે, જેમાં દીકરી પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે અને દીકરો હજી સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યો છે. આ આઘાતજનક સમાચારથી મૃતકના પરિવારજનોનું હૈયાફાટ રુદન જોઈને ત્યાં હાજર સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી. ભારે શોક અને દુઃખની લાગણીને કારણે હાલમાં પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિ કંઈ પણ બોલવા તૈયાર નથી.