બિહાર: NDA માં બેઠકોની વહેંચણીને લઈને ખેંચતાણ, ચિરાગ પાસવાનને મનાવવાના BJP ના પ્રયાસો
પટનાઃ બિહાર વિધાનસભાની આવનારી ચૂંટણી પહેલા એનડીએમાં બેઠક વહેંચણીને લઈને મતભેદો ઊભા થયા છે. મોડીરાત્રિ સુધી આ મુદ્દે બેઠકો ચાલી હતી. ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રિય ગૃહરાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે દિવસ દરમિયાન બે વખત લોક જનશક્તિ પાર્ટી (લોજપા)ના અધ્યક્ષ ચિરાગ પાસવાનના નિવાસસ્થાને મુલાકાત લીધી હતી. ત્યારબાદ રાત્રે ભાજપના બિહાર પ્રભારી અને કેન્દ્રિય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ નિત્યાનંદ રાય સાથે ચિરાગ પાસવાનને મળવા ગયા હતા. જોકે બેઠક વહેંચણી પર કોઈ અંતિમ સહમતિ થઈ કે નહીં તેની સત્તાવાર પુષ્ટિ કોઈ પક્ષે કરી નથી. દિવસ દરમિયાનની બેઠક પછી નિત્યાનંદ રાયે મીડિયા સામે “બધું ઠીક છે” એવું કહી વાત ટાળી હતી. બાદમાં તેમણે ધર્મેન્દ્ર પ્રધાનના નિવાસસ્થાને જઈ સ્થિતિની વિગત આપી હતી.
સુત્રોના જણાવ્યા અનુસાર, આ વખતે ચિરાગ પાસવાન ભાજપ સામે બેઠક વહેંચણીમાં સમાધાન કરવા તૈયાર નથી દેખાતા. માહિતી અનુસાર લોજપા 40 થી 45 બેઠકોની માંગણી પર અડગ છે, જ્યારે ભાજપ લોજપાને આશરે 20 બેઠકો આપવાનો પ્રસ્તાવ ધરાવે છે. બીજી તરફ ‘હિંદુસ્તાની અવામ મોરચા’ (હમ)ના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝી પણ વધુ બેઠકો મેળવવા માટે સક્રિય છે. આવી સ્થિતિમાં એનડીએમાં અંતિમ સમજૂતી સુધી પહોંચવા ભાજપ માટે મોટો પડકાર ઉભો થયો છે. આ બેઠક વહેંચણીનો વિવાદ બિહારના રાજકારણમાં ગરમાવો લાવી રહ્યો છે. નિરીક્ષકોનું માનવું છે કે જો બેઠક વહેંચણી પર સહમતિ ન બને તો એનડીએના આંતરિક સંબંધો પર તેની અસર પડશે.