બિહારઃ નીતિશ સરકારે મંત્રીઓના પગાર અને ભથ્થામાં કરાયો વધારો
પટનાઃ બિહારમાં મુખ્યમંત્રી નીતિશ કુમારની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ હતી. જેમાં 27 જેટલા પ્રસ્તાવોને મંજુરી આપવામાં આવી છે. ખાસ વાત એ છે કે, ચૂંટણી પૂર્વે નીતિશ સરકારે પોતાના મંત્રીઓના વેતન અને ભથ્થામાં વધારો કર્યો છે. હવે રાજ્ય મંત્રીઓ અને ઉપમંત્રીઓને માસિક રૂ. 50 હજારના બદલે રૂ. 65 હજારનું વેતન મળશે. ક્ષેત્રીય ભથ્થુ 55 હજારથી વધારીને 70 હજાર અને દૈનિક ભથ્થુ 3 હજારથી વધારીને 3500 કરવામાં આવ્યું છે.
નીતિશ કુમારની સરકારે મંત્રીઓના આતિથ્ય ભથ્થામાં પણ વધારો કર્યો છે. તેને 24 હજાર રૂપિયાથી વધારીને 29.5 હજાર રૂપિયા કરવામાં આવ્યા છે. જ્યારે, નાયબ મંત્રીઓને હવે આતિથ્ય ભથ્થા તરીકે રૂ. 23500ને બદલે રૂ. 29 હજાર આપવામાં આવ્યા છે. એટલું જ નહીં, મંત્રી અને નાયબ મંત્રીના વાહન ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. હવે પ્રતિ કિમી રૂ. 15ના બદલે રૂ. 25 આપવામાં આવશે. આમ સરકારે મંત્રીના પગાર અને ભથ્થાં સુધારા નિયમો-2006 ને પણ મંજૂરી આપી છે.
કેબિનેટ બેઠકમાં, નીતિશ સરકારે કૃષિ, શહેરી વિકાસ અને ગૃહનિર્માણ, દારૂબંધી, આબકારી અને નોંધણી વિભાગ, મહેસૂલ અને જમીન સુધારણા વિભાગ, સામાન્ય વહીવટ વિભાગ, શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ, નાણા વિભાગ, ખાણ અને ભૂસ્તરશાસ્ત્ર વિભાગ, કેબિનેટ સચિવાલય વિભાગ અને ઉદ્યોગ વિભાગના 27 મહત્વપૂર્ણ પ્રસ્તાવોને મંજૂરી આપી છે.
નીતિશ સરકારે નોકરીઓ અંગે આપેલા વચનો પૂરા કરવાની કવાયત શરૂ કરી દીધી છે. પોલીસ વિભાગ પછી હવે આરોગ્ય વિભાગમાં પણ બમ્પર ભરતી થવા જઈ રહી છે. કેબિનેટે 20 હજારથી વધુ જગ્યાઓ માટે ભરતીને મંજૂરી આપી છે. આ ઉપરાંત, કૃષિ વિભાગમાં 2,590 નવી જગ્યાઓ અને નશાબંધી વિભાગમાં 48 નવી જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે.