ભારતીય શેરબજારમાં મોટો કડાકો, રોકાણકારોને ભારે નુકશાન
મુંબઈઃ સપ્તાહની શરૂઆતમાં શેરબજારમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ લગભગ 4000 પોઈન્ટ ઘટ્યો છે, જ્યારે નિફ્ટી 1146 પોઈન્ટ ઘટ્યો છે. જાપાન અને કોરિયન શેરબજાર બાદ ભારતીય શેરબજારમાં આજે સોમવારે પ્રિ- ઓપનિંગમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ સૂચકાંક સેન્સેક્સ 4000 ડાઉન, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ સૂચકાંક નિફ્ટી 1100 ગગડ્યો હતો. જેને કારણે આ સોમવાર બ્લેક મંડે સાબિત થયો છે. સેન્સેક્સના તમામ 30 શેર નીચા ભાવે ટ્રેડ થઈ રહ્યા છે. ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ અને ઇન્ફોસિસના શેર લગભગ 10% જેટલા ઘટ્યા છે, તો ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક અને L&Tના શેર પણ 8% ઘટ્યા છે.
- બજારમાં ઘટાડા માટે શું છે મુખ્ય કારણો?
અમેરિકાનો પારસ્પરિક ટેરિફ: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 26% ટેરિફ લાદવાની જાહેરાત કરી દીધી છે. ભારત ઉપરાંત ચીન પર 34%, યુરોપિયન યુનિયન પર 20%, દક્ષિણ કોરિયા પર 25%, જાપાન પર 24%, વિયેતનામ પર 46% અને તાઇવાન પર 32% ટેરિફ લાદવામાં આવશે.
ચીનનો અમેરિકા પર 34% ટેરિફ: ચીને પણ શુક્રવારે અમેરિકા પર 34% બદલો ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. નવો ટેરિફ 10 એપ્રિલથી અમલમાં આવશે. બે દિવસ પહેલા, અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વભરમાં ટિટ ફોર ટેટ ટેરિફ લાદ્યા હતા. જેમાં, ચીન પર 34%નો વધારાનો ટેરિફ લાદવામાં આવ્યો હતો. હવે ચીને અમેરિકા પર પણ આ જ ટેરિફ લાદ્યો છે.
આર્થિક મંદી અંગે ચિંતા: જો ટેરિફને કારણે માલ મોંઘો થશે, તો લોકો ઓછી ખરીદી કરશે, જે અર્થતંત્રને ધીમું કરી શકે છે. આ ઉપરાંત ઓછી માંગને કારણે, ક્રૂડ ઓઇલના ભાવમાં પણ ઘટાડો થયો છે. આ નબળી આર્થિક પ્રવૃત્તિનો સંકેત છે. આનાથી રોકાણકારોનો વિશ્વાસ ડગી ગયો છે.