વિજાપુર લાડોલ રોડ પર પુરફાટ ઝડપે કારે બાઈકને ટક્કર મારતા બાઈકચાલકનું મોત
- બે યુવાનો વિજાપુરથી જંત્રાલ ગામે જઈ રહ્યા હતા ત્યારે અકસ્માતનો બનાવ બન્યો,
- બીજા એક અકસ્માતમાં કારચાલકનું મોત,
- પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી
ગાંધીનગરઃ રાજ્યમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં અકસ્માતના બે બનાવો બન્યો હતો જેમાં પ્રથમ અકસ્માતનો બનાલ વિજાપુર-લાડોલ રોડ પર બન્યો હતો, જેમાં પૂરફાટ ઝડપે કારએ બાઈકને ટક્કર મારતા બાઈકચાલકનું મોત નિપજ્યું હતું. જ્યારે અકસ્માતનો બીજો બનાવ ઈડરના દેશોતર ચોકડી નજીક સર્જાયો હતો. આ બનાવમાં કાર અને ટ્રેકટર વચ્ચેના અકસ્માતમાં કારમાં સવાર એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું.
પ્રથમ અકસ્માતના બનાવની વિગતો એવી છે કે, વિજાપુરના લાડોલ રોડ પર કારચાલકે ટક્કર મારતાં બાઇકચાલકનું મોત નીપજ્યું હતું. આ અંગે કારચાલક વિરુદ્ધ લાડોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવાતાં પોલીસે તપાસ હાથ ધરી છે. વિજાપુર તાલુકાના લાડોલ રોડ ઉપર જંત્રાલ ગામના કાળાજી પ્રતાપજી ઠાકોર અને ભરતજી ગોકાજી ઠાકોર બાઈક લઈને વિજાપુરથી જંત્રાલ ગામે જઈ રહ્યા હતા એ દરમિયાન લાડોલ રોડ ઉપર આવેલા કોલ્ડ સ્ટોરેજ પાસે પાછળથી બ્રેઝા કારનાં ચાલક મહિલાએ ટક્કર મારતાં બાઈક ઉપર જઈ રહેલા કાળાજી ઠાકોર અને ભરતજી ઠાકોરને ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે હિંમતનગર લઈ જવામાં આવ્યા હતા. કારચાલક મહિલા લાડોલ રોડ પર આવેલી સ્કૂલમાં પરીક્ષા આપવા માટે આવી હતી જે અકસ્માત સર્જાયા બાદ કાર મૂકી પરીક્ષા આપવા માટે પહોંચી હતી. દરમિયાન ઇજાગ્રસ્ત કાળાજી પ્રતાપજી ઠાકોર (ઉં.વ. 45)નું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
બીજા અકસ્માતની વિગતો એવી છે કે, ઇડર તાલુકાના દેશોતર ચોકડી નજીક ગત તા.૧૭ નવેમ્બરના રોજ સાંજના સુમારે અજાણ્યા ટ્રેક્ટર ચાલકે સામેથી આવતી કારને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં કારમાં બેઠેલા સંજયભાઇ પટેલ તથા રાજેન્દ્રકુમાર વિઠ્ઠલભાઇ પટેલને ઇજા પહોંચી હતી. બંનેને સારવાર માટે ખસેડાયા હતા. જયાં રાજેન્દ્રકુમાર પટેલનું મોત નીપજ્યું હતુ. આથી નિકુંજકુમાર પટેલે અજાણ્યા ટ્રેક્ટરના ચાલક સામે સોમવારે જાદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.