ભૂટાનના પ્રધાનમંત્રી દાશો શેરિંગ તોબગેનો અયોધ્યામાં રામલલાના દર્શન કર્યાં
અયોધ્યાઃ ભૂટાનના પ્રધાનમંત્રી દાશો શેરિંગ તોબગે આજે અયોધ્યાના પ્રવાસે આવ્યા હતા. તેમણે પ્રથમ ભવ્ય રામ મંદિરમાં રામલલાના દર્શન કર્યા બાદ પરિસરમાં આવેલા અન્ય મંદિરોમાં પણ પૂજા-અર્ચના કરી હતી. મંદિરમાં દર્શન કર્યા પછી તેમનો કાફલો હોટેલ રામાયણ તરફ રવાના થયો, જ્યાં તેઓ ભૂટાનની પરંપરાગત શૈલીમાં આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમોના સાક્ષી બનશે.
પ્રધાનમંત્રી તોબગે અયોધ્યા એરપોર્ટથી સીધા રામ મંદિર પહોંચ્યા હતા. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના કૃષિમંત્રી સુર્યપ્રતાપ શાહી, મહાપોર ગીરીશપતિ ત્રિપાઠી, ધારાસભ્ય વેદપ્રકાશ ગુપ્તા સહિત અનેક જનપ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. સાથે જ રાજ્ય સરકાર અને જિલ્લા પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ તેમજ પોલીસના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
ભૂટાનના પ્રધાનમંત્રીના અયોધ્યા પ્રવાસને લઈને સુરક્ષાના કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. દરમિયાન પ્રધાનમંત્રી કાર્યાલય અને મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું હતું. જિલ્લા પ્રશાસન તરફથી દાશો શેરિંગ તોબગેનું રેડ કાર્પેટ પર સ્વાગત કરવામાં આવ્યું હતું.