ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્યને 5 દિવસના ED રિમાન્ડ, PMLA કોર્ટનો નિર્ણય
છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલને શુક્રવારે (18 જુલાઈ) કથિત દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ED દ્વારા PMLA કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી કોર્ટે તેમને ૫ દિવસના ED રિમાન્ડ પર મોકલી દીધા હતા. અગાઉ શુક્રવારે દરોડા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.
EDએ કોર્ટમાં તેમના પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. દુર્ગ જિલ્લાના ભિલાઈ શહેરમાં ચૈતન્ય બઘેલના ઘરે દરોડા પાડ્યા બાદ તેમને મની લોન્ડરિંગ વિરોધી કાયદા (PMLA) હેઠળ અટકાયતમાં લેવામાં આવ્યા હતા.
ચૈતન્ય બઘેલની મની લોન્ડરિંગ વિરોધી કાયદાની કલમ 19 હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, કેસમાં નવા પુરાવા મળ્યા બાદ કરવામાં આવેલા દરોડા દરમિયાન ચૈતન્ય કથિત રીતે સહયોગ કરી રહ્યો ન હતો. દરોડા દરમિયાન ઘરની બહાર મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ હાજર હતા. કેટલાક પક્ષના સમર્થકો પણ ત્યાં એકઠા થયા હતા.
અગાઉ, ED એ દાવો કર્યો હતો કે ચૈતન્ય બઘેલ કથિત દારૂ કૌભાંડમાંથી મળેલી રકમનો 'પ્રાપ્તકર્તા' હોવાની શંકા છે. એજન્સીએ એમ પણ કહ્યું કે આ "કૌભાંડ" ના પરિણામે રાજ્યના તિજોરીને "મોટા પ્રમાણમાં નુકસાન" થયું અને 2,100 કરોડ રૂપિયાથી વધુ રકમ દારૂ સિન્ડિકેટના લાભાર્થીઓના ખિસ્સામાં ગઈ.