ભૂપેન્દ્ર પટેલે ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટ-2025નો કરાવ્યો પ્રારંભ
ગાંધીનગરઃ ગાંધીનગરમાં સૌ પ્રથમવાર રાજ્યના વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશન્સની ટીમ વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે. IIT ગાંધીનગરના ક્રિકેટ ગ્રાઉન્ડ પર 5 દિવસીય ટુર્નામેન્ટ રમાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની મહાનગરપાલિકાઓની ક્રિકેટ ટીમ વચ્ચે રમાનારી ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટનો ટોસ ઉછાળીને શુભારંભ કરાવ્યો. આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કરાયું છે.
રાજ્યની 6 મહાનગરપાલિકાઓના મેયર્સની ટીમ અને 8 કોર્પોરેશન્સના કમિશનરની ક્રિકેટ ટીમ એમ કુલ 14 ટીમ આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેશે.
IIT ગાંધીનગરના ક્રિકેટ ગ્રાઉન્ડમાં તારીખ 5 ફેબ્રુઆરીથી 9 ફેબ્રુઆરી 2025 દરમિયાન આ ટુર્નામેન્ટ યોજાશે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા મહિલા પદાધિકારીઓ માટે પણ ખાસ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે.
મુખ્યમંત્રીએ ટુર્નામેન્ટની ટીમ્સને સફળતાની શુભેચ્છાઓ પાઠવી હતી. આ ટુર્નામેન્ટના પ્રારંભ સમારોહમાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, ગાંધીનગરના મેયર મીરા પટેલ, ડેપ્યુટી મેયર નટવરજી ઠાકોર, મહાનગરપાલિકાના પદાધિકારીઓ, જિલ્લા કલેક્ટર મેહુલ દવે હાજર રહ્યા હતા.