ભિક્ષુ અખંડાનંદે વાંચનનું મૂલ્ય સમજ્યું અને વાંચનને સસ્તુ બનાવ્યું : અમિત શાહ
- કેન્દ્રીય મંત્રી અમિત શાહના હસ્તે સસ્તુ સાહિત્યનાં24 પુનઃમુદ્રિત પુસ્તકોનું વિમાચન કરાયું,
- જીવનનું કલ્યાણ કરવું હોય તો વાંચન સિવાય બીજો કોઈ વિકલ્પ નથી
- ભાષાનું અસ્તિત્વ અને સાતત્ય ત્યારે જ ગૌરવમય બને જ્યારે તેને પોષવા સારસ્વત લોકો આગળ આવે
અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના હસ્તે સસ્તુ સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટ દ્વારા પુનઃ મુદ્રિત 24 પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું.
115 વર્ષથી ગુજરાતીઓને સસ્તા દરે શિષ્ટ સાહિત્ય પ્રદાન કરનાર સસ્તુ સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટના અમદાવાદ ખાતે આયોજિત ‘અખંડ આનંદોત્સવ’માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ પ્રોત્સાહક બની રહી હતી.
આ પ્રસંગે સસ્તુ સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટના અધ્યક્ષ તથા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે કોઈ પણ ભાષાનું અસ્તિત્વ અને સાતત્ય ત્યારે જ ગૌરવમય બને છે જ્યારે તેને આગળ ધપાવવા–પોષવા સારસ્વત લોકો આગળ આવે.
ગોવર્ધનરામ ત્રિપાઠી, નર્મદ, મહાત્મા ગાંધી, કાકાસાહેબ કાલેલકર, નરસિંહ મહેતા, સુંદરમ્ જેવા અનેક ગુજરાતી સાહિત્યકારો એ આપેલો સાહિત્ય વારસો જાળવવાની અને તેનું સંવર્ધન કરવાની જવાબદારી ગુજરાતી ભાષાના સારસ્વતો, ચાહકો, ભાષાવિદોની છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં વાંચન પ્રવૃત્તિને વેગ આપવા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ 'વાંચે ગુજરાત' અભિયાન શરૂ કરાવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જિલ્લા - તાલુકાઓમાં પુસ્તકાલય માટે મોટી રકમની ફાળવણી કરી છે, તે પ્રશંસાને પાત્ર છે. સાહિત્યમાં સત્વ ઉમેરવાનું, વાંચનને વધુ રસપ્રદ બનાવવાનું કામ સારસ્વત લેખકોએ જ કરવું જોઈશે, એવું તેમણે ઉમેર્યું હતું.
કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વિચારોની ઊંચાઈ પ્રાપ્ત કરવા અને વિચારોને સદમાર્ગે વાળવાનું કામ વાંચન કરી શકે, બીજું કોઈ નહીં. દેશનું ભવિષ્ય નક્કી કરવામાં શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા કરતા પુસ્તકાલયમાં લોકોની સંખ્યા કેટલી છે, તે મહત્ત્વનું છે. બાળક કે વિદ્યાર્થી નાનપણથી વાંચવાની ટેવ રાખશે, ઇન્ટરનેટના આકર્ષણો વચ્ચે પણ વાંચનની ટેવને જાળવી રાખશે તો જીવનમાં આવનારી કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિ કે વિઘ્નો વચ્ચે ટકી જશે.
અમિતભાઈ શાહે પોતાના વતનમાં બાળપણ દરમિયાન પોતાના વતનના ગામની લાઇબ્રેરીના લાઇબ્રેરીયને આપેલી શિખામણનો ઉલ્લેખ કરતા કહ્યું કે, વાંચનની યાત્રા કુતૂહલ, જિજ્ઞાસાની સંતુષ્ટી, રસની જાગૃતિ, જ્ઞાન પ્રાપ્તિ અને અંતે જ્ઞાનથી મોક્ષ પ્રાપ્તિ સુધીની હોય છે. જીવનનું કલ્યાણ કરવું હોય તો વાંચન સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.
ભિક્ષુ અખંડાનંદ દ્વારા શરૂ કરાયેલી સસ્તું સાહિત્ય નિર્માણ અને વિતરણની વર્ષોજૂની પરંપરા ચાલી આવી રહી છે તેનો ઉલ્લેખ કરતા કેન્દ્રીય મંત્રીશ્રીએ કહ્યું કે, ભિક્ષુ અખંડાનંદે વાંચનનું મૂલ્ય સમજ્યું અને વાંચનને સસ્તુ બનાવ્યું. વ્યક્તિને આગળ લઈ જવા અને જ્ઞાનની વૃદ્ધિ કરવા માટે ઉપયોગી એવાં પુસ્તકો – સાહિત્યને સસ્તાભાવે લોકો સુધી પહોંચાડ્યાં. પુનઃ મુદ્રિત થયેલાં 24 પુસ્તકોમાંથી મોટાભાગનાં પુસ્તકોની અનેક આવૃત્તિઓ બહાર પડી ચૂકી છે, તે આ પુસ્તકોની સફળતા દર્શાવે છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
કેન્દ્રીય મંત્રીશ્રીએ ભિક્ષુ અખંડાનંદની ઔષધ નિર્માણ, સામયિક પ્રકાશન અને સસ્તા સાહિત્ય પ્રકાશન જેવી બહુવિધ પ્રવૃત્તિઓને યાદ કરીને ભિક્ષુ અખંડાનંદને શાબ્દિક શ્રદ્ધાંજલિ પાઠવી હતી. વર્તમાન ટ્રસ્ટી મંડળ અને કાર્યવાહકો દ્વારા ભિક્ષુ અખંડાનંદજીની સાહિત્ય પ્રકાશન સાધનાને યથાવત રાખવાની કાર્યપદ્ધતિને પણ કેન્દ્રીય મંત્રીશ્રીએ બિરદાવી હતી.
અખંડ આનંદોત્સવ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે સસ્તુ સાહિત્ય મુદ્રણાલયનાં પુસ્તકો આપણી શિક્ષા, સંસ્કૃતિ અને સાહિત્યની વિરાસત છે. ભિક્ષુ અખંડાનંદની પ્રેરણાથી કાર્યરત થયેલું સસ્તુ સાહિત્ય ટ્રસ્ટ એ માત્ર પ્રિન્ટિંગ પ્રેસ જ નહિ, પરંતુ આપણા શિક્ષા-સાહિત્યને જીવંત રાખતી સંસ્થા છે, આપણી આગવી વિરાસત છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, 1907માં સ્થપાયેલી આ સંસ્થા ભાષા, સાહિત્ય અને શિક્ષાની જ્યોત દ્વારા સમાજને 116 વર્ષથી માર્ગદર્શન અને પ્રેરણા આપી રહી છે. ધર્મ, આરોગ્ય, મહાપુરુષોના જીવનચરિત્ર, રાષ્ટ્રનિર્માણ જેવા અનેકવિધ વિષયોનો વાંચન રસથાળ સસ્તા દરે લોકો સુધી પહોંચાડવાનું ઉત્તમ કાર્ય સસ્તુ સાહિત્ય ટ્રસ્ટે કર્યું છે, એવું તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વાંચન વારસો જળવાઈ રહે અને લોકોને રાષ્ટ્રનિર્માણ માટેના સંસ્કાર સિંચન કરતું ઉત્તમ સાહિત્ય પુસ્તક સ્વરૂપે વાંચવા મળે તેવો સસ્તુ સાહિત્યનો સંકલ્પ છે. આ સંકલ્પ આદરણીય ગૃહ મંત્રી અને ટ્રસ્ટના પ્રમુખ અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં ચોક્કસ સાકાર થશે જ, એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીએ સંસ્કૃત સુભાષિતનો સંદર્ભ આપતા કહ્યું કે, સંસારની વિષવેલી પર બે જ અમૃતફળો બેસે છે- એક સારા માણસોનો સંગ અને બીજું પુસ્તકોની મૈત્રી.
અત્રે ઉલ્લેખનીય છે કે સસ્તુ સાહિત્ય દ્વારા પુનઃમુદ્રિત તમામ 24 પુસ્તકોમાં સસ્તુ સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહે પ્રસ્તાવના લખી છે.
આ પ્રસંગે અમદાવાદ શહેરનાં મેયર શ્રીમતી પ્રતિભાબહેન જૈન, વરિષ્ઠ સાહિત્યકાર રઘુવીર ચૌધરી, સસ્તુ સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટના ટ્રસ્ટીઓ હર્ષદભાઈ જે. શાહ, પરેશભાઈ અમીન અને પ્રશાંતભાઈ અમીન, સ્થાનિક ધારાસભ્યો, જાણીતા સાહિત્યકારો સહિત મોટી સંખ્યામાં સાહિત્યરસિકો ઉપસ્થિત રહ્યા હતા.