ભાવનગરના વલ્લભીપુર નગરપાલિકા કર્મચારીઓને 3 મહિનાથી પગાર મળ્યો નથી
- દિવાળીના તહેવારો ટાણે જ પગાર ન મળતા કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાયા,
- કર્મચારીઓએ મામલતદારને આવેદનપત્ર આપી રોષ વ્યક્ત કર્યો,
- પાલિકાના પ્રમુખે ત્વરિત પગાર ચુકવી આપવાની કર્મચારીઓને ખાતરી આપી
ભાવનગરઃ જિલ્લાના વલભીપુર નગરપાલિકામાં ફરજ બજાવતા વહીવટી અને સફાઇ કર્મચારીઓને છેલ્લા ત્રણ મહિનાથી પગાર નહીં મળતા દિવાળીના તહેવારો ટાણે જ કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. નગરપાલિકાના કર્મચારીઓ પગારની માંગણી સાથે વલભીપુર મામલતદારને આવેદન પત્ર પાઠવીને રોષ વ્યકત કર્યો છે. અને દિવાળી પહેલા ત્વરિત પગાર કરવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી હતી.
વલભીપુર નગરપાલિકા છેલ્લા ગણા સમયથી આર્થિક સમસ્યાનો સામનો કરી રહી છે. નગરપાલિકાની સ્થાપના કેવા મૂર્હુતમાં થઇ છે કે, નગરપાલિકાનું સુશાસન કહી શકાય તેવો સમય આવ્યો જ નહી એક યા બીજા પ્રશ્નોની સળગતી સમસ્યા કાયમી હોય જ છે તે પછી સત્તાધીશોની હુસાતુસી હોય, સફાઇ કામદારના પ્રશ્નો હોય કે પછી કર્મચારીઓના પ્રશ્નો બાબત હોય કે પછી કાયમી ચીફ ઓફિસરનો પ્રશ્ન હોય પાલિકાને એક યા બીજી સમસ્યા ઉભેલી હોય જ છે. ત્યારે વહીવટી અને સફાઇ કર્મચારીઓને છેલ્લા ત્રણ મહિનાથી પગાર નહીં મળતા દિવાળીના તહેવારો ટાણે જ કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાયા છે જો કર્મચારીઓના વ્યાજબી પ્રશ્નનો ઉકેલ લાવવામાં નહીં આવે તો શહેરમાં પાલિકા દ્વારા અપાતી સેવાઓ જેવી કે પાણી, સફાઇ, ડ્રેનેજ સહિતની સેવાઓ ઉપર અસર પડી શકે છે.
આ અંગે નગરપાલિકાના પ્રમુખે જણાવ્યું હતું કે, પાલિકાના કર્મચારીઓને સમયસર પગાર નહીં થતા તેઓ હાલ હડતાળ ઉપર જતા હોવાની તેમજ મામલતદારને આવેદનપત્ર આપ્યુ હોવાની માહિતી મને મળતા મે તમામ કર્મચારીઓને રૂબરૂ મળીને પગાર ચુકવી દેવાની ખાત્રી આપી છે અને હાલ હડતાળ ઉપર નહીં ઉતરે તેવી મને કર્મચારીઓએ ખાત્રી આપી છે.