અમદાવાદમાં 'ભારત, ભાગ્ય, વિધાતા - રાષ્ટ્ર પ્રથમ' કાર્યક્રમ યોજાયો
અમદાવાદઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને અમદાવાદમાં 'ભારત, ભાગ્ય, વિધાતા - રાષ્ટ્ર પ્રથમ' કાર્યક્રમ યોજાયો હતો. દેશની સંસ્કૃતિ અને સમૃદ્ધિના જતન ઉપરાંત સમાજસેવા, કલા, રમતગમત, વૈજ્ઞાનિક અને અધ્યાત્મિક ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન દ્વારા રાષ્ટ્રનિર્માણમાં મહત્વનું યોગદાન આપનારા મહાનુભાવોને આ પ્રસંગે 'ફિલિંગ્સ પ્રાઈડ ઓફ ઇન્ડિયા એવોર્ડ ૨૦૨૫' થી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ એવોર્ડ વિતરણ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે કોઈ પણ સમાજ માટે સૌભાગ્યની વાત હોય છે, જ્યારે તે સમાજના પ્રતિષ્ઠિત લોકો ભેગા થઈને સમાજના સર્વાંગી વિકાસમાં યોગદાન આપે છે. આજે પુરસ્કાર મેળવનાર તમામ મહાનુભાવો આ દેશને વિવિધ ક્ષેત્રોમાં આગળ લઈ જવા માટે નિષ્ઠાપૂર્વક કાર્ય કરી રહ્યા છે, તેમ જણાવી રાજ્યપાલશ્રીએ એવોર્ડ પ્રાપ્ત કરનાર તમામને શુભકામનાઓ પાઠવી હતી.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વેદોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, ભગવાન તેમને જ મળે છે જે પોતાના આત્માને અન્ય જીવોમાં જુએ છે અને તમામ જીવોને તેના આત્મામાં જુએ છે. જ્યારે વ્યક્તિ પોતાની વિચારસરણીને વિસ્તૃત કરીને 'વસુધૈવ કુટુંબકમ' ની ભાવના અપનાવે છે, ત્યારે જ તે સાચો આત્મવિકાસ પ્રાપ્ત કરે છે.ભગવાન મહાવીર સ્વામીએ આપેલા પાંચ સિદ્ધાંતો - અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહનો ઉલ્લેખ કરતાં રાજ્યપાલશ્રીએ ઉમેર્યું કે, આ બધા સાર્વત્રિક સિદ્ધાંતો છે. સત્ય એ પરમ ધર્મ છે. અસત્ય ક્યારેય ટકી શકતું નથી. તેવી જ રીતે અહિંસા, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહને જીવનમાં ઉતારીને શાંતિનો માર્ગ અપનાવવો જોઈએ.
ભારત ભાગ્યવિધાતા એવોર્ડ સમારંભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જલિયાંવાલા બાગની કરુણાંતિકાના ૧૦૬મા સ્મૃતિ દિવસ પર સૌ શહીદોની દિવ્ય ચેતનાને વંદન કરતા જણાવ્યું હતું કે આપણો દેશ આજે સ્વતંત્રતાની શતાબ્દી તરફ તેજ ગતિથી આગળ વધી રહ્યો છે.
અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયેલા ભારતનું ભાગ્ય અનેક વીર શહીદોના બલિદાનની ગાથાઓથી લખાયેલું છે. સ્વરાજ અને સ્વતંત્રતાની જંગમાં પોતાનું સર્વસ્વ બલિદાન કરનારા આવા વીર સપૂતો ભારતના ભાગ્ય વિધાતા છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે નામી-અનામી અનેક વીરોના સમર્પણ અને બલિદાનથી મળેલી આઝાદીનો અમૃતકાળ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ચાલી રહ્યો છે. આઝાદીની શતાબ્દી સુધીના આવનારા ૨૫ વર્ષના સમયને તેમણે કર્તવ્યકાળ કહ્યો છે. વિકસિત ભારતના નિર્માણમાં ભારતના ભાગ્ય વિધાતા બનવાનો અવસર પૂરો પાડનારો આ કાળ છે. દેશ પ્રથમનો ભાવ હૈયે રાખનાર પ્રતિભાઓને સન્માનિત કરવાનો આજના એવોર્ડ સમારંભનો કાર્યક્રમ પ્રશંસનીય છે એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે મહાત્મા ગાંધી, લોહપુરુષ સરદાર પટેલ, લાલ બહાદુર શાસ્ત્રી, ડો. શ્યામાપ્રસાદ મુખર્જી, સુભાષચંદ્ર બોઝ, અટલ બિહારી વાજપેયીજી, ડો. અબ્દુલ કલામ જેવા સપૂતોની પ્રેરણાથી સ્વતંત્ર ભારતનું ભાગ્ય ઘડવામાં આપણને નવી દિશા મળી છે. આજે જ્ઞાન, વિજ્ઞાન અને અનુસંધાન સહિત ટેકનોલોજીના યુગમાં ભારતના ભાગ્યવિધાતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે.
નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાજ્ય અને દેશના વિકાસ વિશે વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ગુજરાતને પાછલા બે દાયકાથી તેમના દિશાદર્શનમાં ભારતના ભાગ્ય વિધાતા બનવાનું શ્રેય પ્રાપ્ત થયું છે. રાજ્યમાં ડબલ એન્જિન સરકારે વિકાસના અનેક બેંચમાર્ક પ્રસ્થાપિત કર્યા છે. શ્રી નરેન્દ્રભાઈના સુશાસનમાં ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. તેમના નેતૃત્વમાં રાજ્ય ગેસ ગ્રીડ, ઇલેક્ટ્રિક ગ્રીડ અને વોટર ગ્રીડ ધરાવતું દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. તેમના નેતૃત્વમાં જ સુઆયોજિત કેનાલ નેટવર્ક વડે નર્મદાના નીરને કચ્છના છેવાડાના ગામો સુધી પહોંચાડવામાં આવ્યા હતા.
ગુજરાતની નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી, રિન્યુએબલ એનર્જી પોલિસી, ઇલેક્ટ્રીક વ્હિકલ, સ્ટાર્ટ અપ અને બાયોટેકનોલોજી પોલિસી, સ્પોર્ટ્સ, ડ્રોન, સેમિકન્ડક્ટર સહિતના નવીન ક્ષેત્રે પોલિસી થકી ગુજરાત આજે દેશમાં પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકે પ્રસ્થાપિત થયું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝન થી શરૂ થયેલું દેશનું પહેલું અને એકમાત્ર ફાઈનાન્સિયલ ટેક સિટી ગિફ્ટ વિશ્વના ફિનટેક માટેનું દેશનું ગેટ વે બન્યું છે. સેમિકન્ડક્ટર ક્ષેત્રે પણ ગુજરાત આજે દેશમાં લીડ લઈ રહ્યું છે