ડાકોરના ભક્તિપથ રૂટ પર પગપાળા યાત્રિકો માટે ભંડારાના રસોડાનો પ્રારંભ
- સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઠેર ઠેર મંડપ બંધાયા
- પદયાત્રિકો માટે માલીશ કેન્દ્રો પણ ઊભા કરાયા
- આજથી જ પગપાળા યાત્રિકો ડાકોર જવા રવાના થયાં
અમદાવાદઃ હોળી અને ધૂળેટીના પર્વને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે, ફાગણી પૂનમે ડાકોરના ઠાકોરજીના દર્શનનું વિશેષ મહાત્મ્ય છે.અને લાખો પદયાત્રિઓ ઠાકોરજીના દર્શન માટે ડાકોર જતા હોય છે. આજે રવિવારથી અમદાવાદથી પદયાત્રિઓ ડાકોર જવા રવાના થયા છે. ગણ સંઘે આજે રાત્રે અથવા આવતી કાલે સવારે પગપાળા ડાકોર જવા રવાના થશે. ઘણા સેવાભાવી લોકો પગપાળા યાત્રાળુંઓની સેવા કરીને પૂણ્યનું ભાથુ મેળવતા હોય છે. ત્યારે અમદાવાદથી ડાકોર જતા ભક્તિપથ માર્ગ પર ઠેર ઠેર સેવી કેમ્પો લાગી ગયા છે.
હોળી અને ધુળેટી પર ડાકોરના ઠાકોર રણછોડરાય ભગવાનના દર્શન કરવા માટે અમદાવાદથી આજે રવિવારે શ્રદ્ધાળુઓએ પગપાળા પ્રયાણ કર્યું છે. પદયાત્રીઓની સેવા માટે જશોદાનગરથી ડાકોર પથ પર વિવિધ સંસ્થાઓ અને સામાજિક આગેવાનો દ્વારા સેવાકીય કેમ્પો માટે મંડપ પણ ઉભા કરવામાં આવ્યા છે. આ સાથે રૂટ પર પદયાત્રીઓને રાત્રિના સમયે હાલાકી ઊભી ન થાય તે માટે વિવિધ જગ્યાઓ પર હેલોજન લાઈટો પણ લગાવવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી છે.
આ અંગે ડાકોર પદયાત્રી સેવા કેન્દ્ર સંકલન સમિતિના અધ્યક્ષ હરિન પાઠકે કહ્યુ હતુ કે, આજે રવિવારથી ડાકોરના રણછોડરાયજીના દર્શન કરવા માટે ભક્તોએ પગપાળાનો પ્રારંભ કર્યો છે. જેને પગલે રૂટ પર વિવિધ જગ્યાઓ પર સંસ્થાઓ અને સામાજિક આગેવાનો દ્વારા મંડપ ઊભા કરીને વિવિધ સેવાકીય પ્રવૃત્તિનો પણ પ્રારંભ કરાયો છે. અમદાવાદથી ડાકોર સુધીના રૂટ પર ઠેર ઠેર ભંડારાના રસોડા શરૂ થઈ ગયા છે. આ સેવા માટે વિવિધ સંસ્થાઓ અને સામાજિક આગેવાનો દ્વારા તૈયારીઓ પણ પૂર્ણ કરી છે. આ વર્ષે રૂટ પર 690 ગાડીઓનું રજિસ્ટર કરાવીને પાસ મેળવ્યા છે. તેમજ આ વર્ષે રૂટ પર 300 જેટલા કેમ્પો પગપાળા જતાં ભક્તોની સેવા કાર્યોમાં જોડાયા છે. જશોદાનગરથી ડાકોરના ભક્તિ પથ પર વિવિધ જગ્યાઓ પર કેમ્પોમાં ભંડારા અને માલિશ કેન્દ્રો પદયાત્રીઓ માટે શરૂ કરવામાં આવ્યા છે. આ સાથે પગપાળાના રૂટ પર વિવિધ ગામડાઓ અને સામાજિક સંસ્થાઓ તેમજ આગેવાનો દ્વારા છાસ, શરબત, ફ્રૂટ, નાસ્તો, ચા- પાણી તેમજ ભોજન સહિત ભોજનની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવાશે. તેમજ પદયાત્રીઓ માટે રાત્રિ રોકાણની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. (File photo)