For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાન: દીકરી જન્મદર 890થી વધીને 955 થયો

06:00 PM Jan 23, 2025 IST | revoi editor
‘બેટી બચાવો  બેટી પઢાવો’ અભિયાન  દીકરી જન્મદર 890થી વધીને 955 થયો
Advertisement

પંચાયતથી લઈને પાર્લામેન્ટ અને આંગણવાડીથી લઈને અવકાશ સુધીના દરેક ક્ષેત્રમાં મહિલાઓએ આજે પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહિલાઓમાં રહેલા સામર્થ્ય અને શક્તિને ખૂબ સારી રીતે ઓળખીને દેશમાં દીકરીઓનો જન્મદર વધારવા અને તેમને યોગ્ય શિક્ષણ આપી પગભર બનાવવાના ઉદ્દેશથી ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાન શરૂ કર્યું છે, જેના પરિણામે દીકરી જન્મદરના પ્રમાણમાં વધારો થયો છે. વર્ષ 2019-20ની વસ્તી ગણતરીના આંકડા મુજબ દીકરી જન્મદર 890 થી વધીને 955 થયો હતો.  

Advertisement

કેન્દ્ર સરકાર તથા ગુજરાત સરકારના દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા કરવામાં આવેલા અનેક નવીન પહેલના પરિણામે રાજ્યમાં કન્યાઓના નામાંકન દરમાં વધારો તથા ડ્રોપ આઉટ રેશિયોમાં ઘટાડો થયો છે. સરકારના અવીરત પ્રયત્નો થકી છેલ્લા 10 વર્ષમાં ગુજરાતમાં દીકરીઓના નામાંકન દરમાં 33%નો નોંધપાત્ર વધારો થયો છે. કન્યાઓનો નામાંકન દર વર્ષ 2002-03માં 66.83% હતો, જે વધીને વર્ષ 2022-23માં 99.81%થયો છે.

 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં તથા મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાના નેતૃત્વમાં ગુજરાત સરકાર દીકરીઓના શિક્ષણ અને વિકાસને પ્રોત્સાહન આપવા સતત પ્રયત્નશીલ છે. મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા કન્યાઓના શિક્ષણનું મહત્વને સમજી ‘ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવર્મેન્ટ ઓફ વિમેન’ યોજના દ્વારા ડ્રોપ આઉટ કરેલી દીકરીઓના કાઉન્સેલીંગ કરી તેમને પડતી સમસ્યાઓ દૂર કરી તેમને ફરીથી શાળાએ આવવા માટે પ્રેરીત કરવામાં આવે છે. 

Advertisement

દેશભરમાં દીકરીઓના મૃત્યુદર ઘટાડવા તથા તેમના શિક્ષણ, આરોગ્ય અને સમાનતા અંગે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી સમગ્ર દેશમાં વર્ષ 2008 થી 24 જાન્યુઆરીના દિવસને ‘રાષ્ટ્રીય બાલિકા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. ભારત સરકાર દ્વારા બાલિકાઓના અધિકારો, શિક્ષણ અને તેમને સમાજમાં વધુ મહત્વપૂર્ણ સ્થાન-પ્રોત્સાહન મળે તેવા હેતુથી આ દિવસ ઉજવાય છે. આ દિવસ માત્ર એક વાર્ષિક ઉજવણી નથી, પરંતુ આનો મુખ્ય હેતુ બાલિકાઓના સશક્તીકરણ અને તેમના ભવિષ્યને વધુ ઉજ્જવળ બનાવવાના પ્રયાસોને આગળ વધારવાનો છે.

દીકરીઓ તથા તેમના પરિવારનું કાઉન્સેલીંગ કરીને તેમને ફરીથી શાળાએ જવા પ્રેરીત કરતી એક સફળતાની વાત કરીએ તો, મહેસાણા જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવર્મેન્ટ ઓફ વિમેન યોજનાના જેન્ડર સ્પેશ્યાલિટ દ્વારા વિજાપુર તાલુકામાં વડાસણ ગામમાં શાળાએ ના જતી અમુક દીકરીઓ ધ્યાને આવી હતી. જે અનુસંધાને ગામનો સર્વે કરી અલગ-અલગ વિસ્તારની માહિતી પ્રાપ્ત કરી હતી. જેમાં વધારે પ્રમાણમાં દીકરીઓના માતા-પિતાની આર્થિક પરિસ્થિતિ સારી ના હોવાથી તેમજ સમાજની ખોટી માન્યતાના કારણે દીકરીઓને શાળા છોડાવી હતી. 

જેન્ડર સ્પેશ્યાલીસ્ટ દ્વારા અવાર નવાર બાળકો ઘરની ડોર ટુ ડોર મુલાકાત તેમજ તેમના માતા-પિતાને શિક્ષણનું મહત્વ સમજાવી તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. આ દીકરીઓને સરકારી શાળામાં પુનઃ પ્રવેશ કરવા પ્રેરિત કરવામાં આવ્યાં હતા. રાજ્યમાં દીકરીઓના જન્મનું પ્રમાણ વધે, દીકરીના શિક્ષણમાં વધારો થાય તે માટે ગુજરાત સરકાર દ્વારા “વ્હાલી દીકરી” યોજના અમલમાં મૂકી આ યોજના થકી દીકરીઓને જન્મથી ૧૮ વર્ષ સુધીમાં રૂ. ૪ હજાર થી ૧ લાખ સુધીની સહાય પણ આપવામાં આવે છે.

Advertisement
Tags :
Advertisement