For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

રાજકોટમાં સોની બજારની એક પેઢીમાંથી બંગાળી કારીગર એક કરોડનું સોનું લઈને ફરાર

05:44 PM Sep 16, 2025 IST | Vinayak Barot
રાજકોટમાં સોની બજારની એક પેઢીમાંથી બંગાળી કારીગર એક કરોડનું સોનું લઈને ફરાર
Advertisement
  • બંગાળી કારીગર સોનાના દાગીના બનાવવાનું કામ કરતો હતો,
  • ત્રણ મહિના પહેલા બનેલા બનાવની નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી,
  • અજાણ્યા કારીગરોને કામે રાખતા પહેલા તેના ઓળખપત્રો તપાસવા જરૂરી છે

રાજકોટઃ શહેરના સોની બજારમાં આવેલી એક પેઢીમાંથી બંગાળી કારીગર આશરે 1 કિલો 349 કિલોગ્રામ સોનું લઈને નાસી જતા રાજકોટના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. સોનાના દાગીનાનું ઘડામણ કામ કરતી પેઢીનો કારીગર 1 કિલો 349 કિલોગ્રામ સોનું (જેની કિંમત રૂ. 1,01,00,985 જેટલી થાય છે) લઈને ત્રણ મહિના પહેલા નાસી ગયો હતો, અને ત્રણ મહિના બાદ સોની વેપારી તરુણ પાટડિયા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

Advertisement

આ બનાવની વિગત એવી છે કે, રાજકોટના સોની બજારમાં આવેલી શ્રીહરિ ઓર્નામેન્ટ પેઢીમાં સફીકુલ શેખ નામનો બંગાળી કારીગર સોનાના દાગીના બનાવવાનું કામ કરતો હતો. પેઢીના માલિક તરુણ પાટડિયાએ બંગાળી કારીગર સફીકુલને 18 કેરેટનું કુલ 1349.330 ગ્રામ સોનું દાગીના બનાવવા માટે આપ્યું હતું. 27 મે, 2025ના રોજ, આ કારીગર ટેબલના ખાનામાંથી સોનું લઈને ભાગી ગયો હતો. ત્રણ મહિના બાદ કેમ ફરિયાદ નોંધવામાં આવી તે અંગે પોલીસ પૂછતાછ કરી રહી છે. શ્રીહરિ ઓર્નામેન્ટ પેઢીના માલિક તરુણ પાટડિયાએ પોલીસને જણાવ્યું કે સફીકુલ શેખ ઘણા સમયથી તેમની પેઢીમાં કામ કરતો હતો અને તેઓ તેના પર વિશ્વાસ કરતા હતા. આ વિશ્વાસનો લાભ લઈને તેણે આ ચોરીને અંજામ આપ્યો હતો. ચોરી થયેલા સોનાનું વજન એક કિલોગ્રામ ત્રણસો ગ્રામ જેટલું છે અને તેની બજાર કિંમત એક કરોડ એક લાખ જેટલી છે. આ ઘટના બાદ, એ ડિવીઝન પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે.

સોની બજારના વેપારીઓના કહેવા મુજબ પેઢીના સંચાલકે મોડી ફરિયાદ નોંધાવવાનું કારણ એવુ લાગે છે કે, બંગાળી કારીગર ભાગી ગયા બાદ માલિકે તેની પાછળ તપાસ કરી હોય અને તેમાં સમય ગયો હોય, અથવા તો કારીગર તેના દેશમાં ભાગી ગયો હોય. આ કારણે તેમણે મોડી ફરિયાદ નોંધાવી છે. આવા કિસ્સાઓ અટકાવવા માટે અમે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ડોક્યુમેન્ટ જમા કરાવીએ છીએ, જેથી કોઈ દુકાન ભાડે આપે કે કારીગર રાખે તો તેના ડોક્યુમેન્ટ પોલીસ સ્ટેશનમાં સબમિટ કરવા જોઈએ.

Advertisement

રાજકોટ એ ડિવિઝન પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજ પણ તપાસવાનું શરૂ કર્યું છે, તેમજ લાગતા વળગતાઓની પૂછપરછ કરી આરોપીને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે. જોકે આ ઘટનાથી રાજકોટના સોની વેપારીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. પોલીસે વેપારીઓને અપીલ કરી છે કે તેઓ અજાણ્યા કારીગરોને કામ પર રાખતા પહેલા તેના ઓળખપત્રોની ચકાસણી કરે અને પોલીસને જાણ કરે તે જરૂરી છે. આ કેસની તપાસ ચાલી રહી છે અને આગામી દિવસોમાં આ મામલે વધુ ખુલાસા થવાની શક્યતા છે.

Advertisement
Tags :
Advertisement