બંગાળ: ભાજપ નેતા અર્જુન સિંહના ઘરની બહાર અસમાજીકતત્વોએ બોમ્બ ફેંકી ગોળીબાર કર્યો
કોલકાતાઃ પશ્ચિમ બંગાળના ભાટપારામાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) નેતા અને ભૂતપૂર્વ સાંસદ અર્જુન સિંહના નિવાસસ્થાન બહાર અજાણ્યા શખ્સોએ બોમ્બ ફેંકવાની સાથે ગોળીબાર કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, મોડી રાત્રે આ હુમલો થયો હતો જેમાં એક યુવાન ઘાયલ થયો હતો. સિંહ અને તેમના નજીકના સાથીઓએ હુમલાખોરોનો પીછો કર્યો હતો પરંતુ તેઓ ઘટનાસ્થળેથી ભાગી જવામાં સફળ રહ્યા હતા.
બરાકપોર પોલીસ કમિશનર અજય ઠાકુરે જણાવ્યું હતું કે, "પરિસ્થિતિ હજુ નિયંત્રણમાં નથી. આમાં સામેલ લોકોને બક્ષવામાં આવશે નહીં. ગુનેગારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે." સિંહે આરોપ લગાવ્યો કે તૃણમૂલ કોંગ્રેસના કાઉન્સિલર સુનિતા સિંહના પુત્ર નમિત સિંહની આ હુમલામાં સંડોવણી છે. પૂર્વ સાંસદે બોમ્બમારો અને અંધાધૂંધ ગોળીબારનો આરોપ લગાવ્યો હતો."
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં આવેલી મેઘના જ્યુટ મિલમાં કામદારોના બે જૂથો વચ્ચે થયેલા વિવાદ બાદ હિંસા ફાટી નીકળી હતી. દરમિયાન, જગદલના તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય સોમનાથ શ્યામે સિંહ અને તેમના સમર્થકો પર હિંસા ભડકાવવાનો આરોપ લગાવ્યો હતો. શ્યામે કહ્યું, "અર્જુન સિંહ અને તેના માણસોએ મેઘના જ્યુટ મિલમાં કામદારો પર હુમલો કર્યો અને ગોળીબાર કર્યો હતો. સિંહે યુવકને ગોળી મારી હતી અને તેના જૂથના હુમલામાં ત્રણથી ચાર અન્ય લોકો ઘાયલ થયા હતા. અમે સિંહની તાત્કાલિક ધરપકડની માંગ કરીએ છીએ, નહીં તો અમે વિરોધ કરીશું." અશાંતિના અહેવાલો મળ્યા બાદ નમિત સિંહ ઘટનાસ્થળે પહોંચ્યા હોવાનું જાણવા મળે છે. પોલીસે જણાવ્યું કે, થોડી જ વારમાં પરિસ્થિતિ વણસી ગઈ અને ગોળીબાર અને બોમ્બ વિસ્ફોટ શરૂ થઈ ગયા. ઘટનાની વિગતો આપતાં સિંહે કહ્યું, "રાત્રે લગભગ 10.30 વાગ્યે, મને અચાનક ગોળીબારનો અવાજ સંભળાયો હતો. હું મારા નજીકના સાથીઓ સાથે મઝદૂર ભવનમાં હતો. હું બહાર દોડી ગયો અને મેઘના વળાંક તરફ ચાલવા લાગ્યો હતો. અમે ઘટનાસ્થળે પહોંચતાની સાથે જ બદમાશોએ અમારા પર ગોળીબાર શરૂ કરી દીધો."
સિંહે દાવો કર્યો હતો કે ઓછામાં ઓછી પાંચથી સાત ગોળીઓ ચલાવવામાં આવી હતી. હુમલા પછી, તેમણે અને તેમના સાથીઓએ હુમલાખોરોનો પીછો કર્યો હતો. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે વિસ્તારમાં રેપિડ એક્શન ફોર્સ (RAF) ના જવાનો સહિત મોટી પોલીસ ટુકડી તૈનાત કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘટનાસ્થળેથી અનેક કારતૂસના શેલ અને બોમ્બ મળી આવ્યા છે. પોલીસે જણાવ્યું કે ઘાયલ યુવકને પહેલા ભાટપારા જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જેને બાદમાં કોલકાતાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.