કેદારનાથ મંદિરના કપાટ ખૂલે તે પહેલા વડોદરાના યુવાનોએ મંદિરને ફુલોથી શણગાર્યું
- 45 પ્રકારના 10 હજાક કિલો ફુલ કેદારનાથ લઈ જવાયા
- 220 જેટલા વોલિન્ટિયરોએ મંદિરના પરિસરમાં બેસીને ફુલોની માળાઓ તૈયાર કરી,
- વડોદરાના શિવજી કી યાત્રાના વોલન્ટિયરો દર વર્ષે ફુલોથી કેદાર મંદિરને શણગારવામાં આવે છે.
વડોદરાઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ કેદારનાથના કપાટ ખૂલે તે પહેલા જ વડોદરાના શિવજી કી યાત્રાના 220 વોલન્ટિયરો 45 પ્રકારના 10 હજાર કિલો ફુલો લઈને કેદાર પહેંચ્યા હતા, અને કેદારનાથના મંદિરને ફુલોથી શણગારવામાં આવ્યું હતું. કેદારનાથ મંદિરની સજાવટ માટે 22 લાખથી વધુ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે અને જેના માટે ફૂલો ભારતનાં 8 રાજ્યો સહિત થાઇલેન્ડ, શ્રીલંકા, નેપાળથી મગાવવામાં આવ્યાં હતા.
કેદારનાથ બાબાનાં કપાટ દર્શનાર્થીઓ માટે ખુલ્લા મૂકવામાં આવે તે પહેલાં વડોદરાના શિવજી કી યાત્રાના સ્વયં સેવકો ફુલો લઈને પ્રથમ 29 એપ્રિલના રોજ ગૌરીકુંડ પહોંચ્યાં હતાં, ત્યાંથી 180 સ્વયં સવકોએ 10 હજાર કિલો ફૂલોને ઉચકીને 20 કિલોમીટર દૂર પહાડો પર ટ્રેકિંગ કરીને કેદારનાથ પહોંચાડ્યાં હતાં. અને કેદાર મંદિરને અદ્ભુત શણગાર કરવામાં આવ્યો હતો. કેદારનાથ બાબાની પાલખીનું ભવ્ય સ્વાગત ફૂલવર્ષાથી કરવામાં આવ્યું હતુ. એ પહેલાં કેદારનાથ મંદિરનો ઐતિહાસિક શણગાર કરવામાં આવ્યો છે. આ શણગાર માટે વડોદરાની શિવજી કી યાત્રા દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે કેદારનાથ મંદિરનો ઐતિહાસિક શણગાર કરવામાં આવ્યો હતો.
આ અંગે શિવજી કી યાત્રાના સ્વયં સેવક સ્વેજલ વ્યાસે જણાવ્યું હતું કે અમે છેલ્લાં 4 વર્ષથી કેદારનાથ મંદિરને ફૂલોથી શણગારીએ છીએ. કોરોનાકાળમાં અમે જ્યારે કેદારનાથ બાબાનાં દર્શને ગયા ત્યારે સૂનું લાગતું હતું, જેથી અમે કેદારનાથ મંદિર કમિટીને મંદિરને ફૂલોથી સજાવવાની વિનંતી કરી હતી, જેની પરમિશન મળ્યા બાદ અમે વર્ષ-2022થી શરૂઆત કરી હતી, જેમાં અમારી સાથે ઋષિકેશની ટીમ પણ જોડાય છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે કેદારનાથ મંદિરને કુલ 45 પ્રકારનાં અલગ અલગ વેરાઇટીનાં ફૂલોથી શણગાર કરાયો હતો, જેમાં 10,000 કિલો ફૂલોથી આખા મંદિરનો શણગાર કરવામાં આવ્યો હતો અને મંદિરના શણગાર માટે કોલકાતાના બંગાળી કારીગર, જેમની કલા આખા વિશ્વમાં ફૂલોના શણગારમાં પ્રખ્યાત છે, જેથી કોલકાતાના 35 કારીગરને પણ લઇ જવામાં આવ્યા હતા. આ ઉપરાંત વડોદરા, સુરત, અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર અને મુંબઇથી વોલન્ટિયર મંદિરને સજાવવા માટે કેદારનાથ પહોંચ્યા હતા. જમ્મુ-કાશ્મીર, પંજાબ, બિહાર, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, મધ્યપ્રદેશ અને દિલ્હીથી ફૂલો મગાવામાં આવ્યાં હતા. અને ભારત ઉપરાંત થાઇલેન્ડ, શ્રીલંકા અને નેપાળથી પણ ફૂલો મગાવવામાં આવ્યાં છે.