For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

જુનાગઢના પ્રાણી સંગ્રહાલયમાંથી રીંછ બહાર નીકળીને નજીકની સોસાયટીમાં ઘૂંસી ગયુ

06:08 PM May 14, 2025 IST | revoi editor
જુનાગઢના પ્રાણી સંગ્રહાલયમાંથી રીંછ બહાર નીકળીને નજીકની સોસાયટીમાં ઘૂંસી ગયુ
Advertisement
  • રીંછને જોઈને સોસાયટીના રહિશોમાં નાસભાગ મચી ગઈ
  • પ્રાણી સંગ્રહાલયના કર્મચારીઓએ દોડી આવી રીંછનું રેસ્ક્યુ કરાયું
  • ઝૂમાં પાંજરૂ ખૂલ્લુ હોવાથી રીંછ વક્ષ પર ચડીને બહાર નીકળ્યું હતુ

જૂનાગઢઃ શહેરના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય (ઝૂ)માં એક રિંછ પાંજરામાંથી વૃક્ષની ડાળીનો સહારો લઈ દીવાલ કૂદીને ઝૂની પાછળ આવેલી કસ્તુરબા કોલોનીમાં ઘૂસી ગયું હતું. રીંછને જોતા જ કોલોનીના રહીશોમાં ભાગદોડ મચી ગઈ હતી. અને લોકોએ પોતાના ઘરના દરવાજા બંધ કરી દીધા હતા. દરમિયાન સ્થાનિકો લોકોએ તુરંત ઝૂના સત્તાધીશોને જાણ કરતા તાબડતોબ ઝૂના કર્મચારીઓ દોડી આવ્યા હતા. અને રીંછનું રેસ્ક્યુ કરી તેને ઝૂમાં પરત લવાયુ હતુ.

Advertisement

શહેરના સક્કરબાગ ઝૂમાં સિંહ-દીપડા, વાઘ સહિતના અનેક વન્યપ્રાણીઓને રાખવામાં આવે છે. તમામ વન્યજીવોને મોટા પાંજરામાં રાખવામાં આવે છે. દરમિયાન પાંજરામાંથી રીંછ બહાર નીકળીને ઝૂની પાછળના ભાગે આવેલી સોસાયટીમાં આંટાફેરા મારવા લાગ્યું હતું. સ્થાનિકો રીંછ જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. સ્થાનિકોને જાણ થઈ ગઈ હતી કે રીંછ ઝૂમાંથી બહાર નીકળી ગયું હોય શકે છે, જેથી તાત્કાલિક ઝૂમાં જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ ઝૂનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો અને રીંછને બેભાન કરીને પકડી લેવામાં આવ્યું હતુ.

આ અંગે ઝૂના સત્તાધીશોએ જણાવ્યું હતું કે, 9 મેના દિવસે સક્કરબાગનો સ્ટાફ સિંહ ગણતરી માટેની તૈયારીમાં લાગ્યો હતો તેવા સમયે દિવસે ઝૂમાં રીંછનું પાંજરૂ છે તેમાં એક મોટું વૃક્ષ છે, વૃક્ષની પાતળી ડાળીઓ પકડીને તે વૃક્ષ પર ચઢી ઝૂની દીવાલ કૂદીને બહાર નીકળી ગયું હતું. રીંછ ગમે તેવી જગ્યાએ ચઢવા માટે ખૂબ જ ચપળ અને સક્ષમ હોવાથી બહાર નીકળવામાં તેને સફળતા મળી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ છે. જે દીવાલ કૂદીને બહાર ગયું ત્યાં રીંછના નખના નિશાન પણ જોવા મળ્યા છે. ઝૂ કિપરને રીંછ બહાર નીકળ્યું હોવાની જાણ થઈ ગઈ હતી તે રીંછને શોધવા માટે દોડધામ કરતા હતા ત્યાં માહિતી મળી કે રીંછ સોસાયટીના રહેણાંક વિસ્તારમાં આવી ચડ્યું છે. જેથી રીંછને પકડવામાં ઓછી મુશ્કેલી પડી હતી. રીંછ સોસાયટીમાં આવી જતા લોકોએ તેમના ઘરના દરવાજા બંધ કરી દીધા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement