સરકારી હોદ્દો અને PCB ના ચેરમેનનું પદ એમ નકવીના બે હોદ્દા મામલે BCCI કરાશે કાર્યવાહી, ICC નિયમોના ઉલ્લંઘનનો દાવો
નવી દિલ્હીઃ એશિયા કપ 2025 પૂરો થયાને હવે લગભગ છ અઠવાડિયા વીતી ગયા છે, છતાંય ભારતીય ક્રિકેટ ટીમને હજુ સુધી ટ્રોફી હાથ લાગી નથી. 28 સપ્ટેમ્બરે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં યોજાયેલા ફાઈનલ મુકાબલામાં સુર્યકુમાર યાદવની આગેવાનીમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવીને પોતાનો 9મો એશિયા કપ ખિતાબ જીત્યો હતો. પરંતુ મેચ બાદ જે પરિસ્થિતિ ઊભી થઈ, તેનાથી આખું ક્રિકેટ જગત ચોંકી ગયું હતું. ભારતીય ટીમે વિજય પછી ટ્રોફી લેવા ઇનકાર કર્યો હતો, કારણ કે તેને ટ્રોફી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના ચેરમેન અને સાથે પાકિસ્તાનના ઇન્ટીરિયર મિનિસ્ટર મોહસિન નકવીના હાથેથી લેવી ન હતી. હાલ મોહસિન નકવી એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના અધ્યક્ષ પણ છે. આ દ્વિભૂમિકા વિવાદનું કેન્દ્ર બની ગઈ છે.
અહેવાલ મુજબ, BCCI હવે આ સમગ્ર મામલો ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની બોર્ડ મીટિંગમાં ઉઠાવવાની તૈયારીમાં છે, જે આ અઠવાડિયે દુબઈમાં યોજાવાની છે. BCCIએ મોહસિન નકવી સામે આક્ષેપોની યાદી તૈયાર કરી છે અને તેમની પાત્રતા પર સવાલ ઉઠાવતો પ્રસ્તાવ મુકવાનો છે. BCCIનું માનવું છે કે, કોઈ વ્યક્તિએ સરકારી હોદ્દો અને રમતગમતનું પ્રશાસકીય હોદ્દો બંને એકસાથે રાખવો ICCના ગવર્નન્સ નિયમોનું ઉલ્લંઘન છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, ટ્રોફી હેન્ડઓવર મુદ્દો હજી સ્પષ્ટ નથી. BCCIના સચિવ દેવજીત સૈકિયાએ તાજેતરમાં જણાવ્યું કે, આ મુદ્દે ACCને પહેલેથી જ સત્તાવાર પત્ર મોકલાયો છે, પરંતુ હજી સુધી કોઈ જવાબ મળ્યો નથી. રિપોર્ટ મુજબ, આ મુદ્દે BCCIને અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB)નો પણ ટેકો મળી શકે છે. તાજેતરમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેના સંબંધો તંગ બન્યા હતા, જ્યારે પાકિસ્તાનની એક સૈન્ય કાર્યવાહી દરમિયાન ત્રણ અફઘાન ખેલાડીઓના મોત થયા હતા. તેના પછી અફઘાનિસ્તાનએ પાકિસ્તાનમાં યોજાનારી ત્રિકોણીય સિરીઝમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું.