ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર ટીમ ઈન્ડિયા માટે BCCIએ તિજોરી ખોલી, 58 કરોડના ઈનામની જાહેરાત કરી
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ટીમ ઈન્ડિયાએ ન્યુઝીલેન્ડને 4 વિકેટે હરાવીને ટાઇટલ જીત્યું હતું. હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટીમ ઈન્ડિયા માટે તિજોરી ખોલી દીધી છે. બીસીસીઆઈએ આખી ટીમ માટે રોકડ પુરસ્કારની જાહેરાત કરી છે. આ રકમ ખેલાડીઓ તેમજ કોચ અને સપોર્ટ સ્ટાફને આપવામાં આવશે. બીસીસીઆઈએ સોશિયલ મીડિયા દ્વારા આ જાહેરાત કરી હતી.
BCCI એ તેની સત્તાવાર વેબસાઇટ દ્વારા જણાવ્યું હતું કે, "ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં ટીમ ઇન્ડિયાની જીત બદલ 58 કરોડ રૂપિયાના રોકડ ઇનામની જાહેરાત કરી છે." આ ઇનામ રકમ ખેલાડીઓ તેમજ કોચિંગ અને સપોર્ટ સ્ટાફ, પસંદગી સમિતિના સભ્યોને આપવામાં આવશે.
જો આપણે ખેલાડીઓના પગાર પર નજર કરીએ તો તે ગ્રેડ અનુસાર આપવામાં આવે છે. એ પ્લસ ગ્રેડના ખેલાડીઓનો પગાર સૌથી વધુ હોય છે. પરંતુ ઈનામની રકમની વાત અલગ છે. બીસીસીઆઈ ખેલાડીઓને રોકડ ઇનામ કેવી રીતે આપશે તે અંગે કોઈ સત્તાવાર માહિતી નથી. પરંતુ બધા ખેલાડીઓને સમાન પૈસા આપી શકાય છે.
ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. આ પછી, તેણે ફાઇનલમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું અને ન્યુઝીલેન્ડ સામે જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડે 251 રન બનાવ્યા હતા. આ દરમિયાન ડેરિલ મિશેલે 63 રનની ઇનિંગ રમી હતી. જવાબમાં, ભારતે 49 ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. રોહિતે ફાઇનલમાં 76 રનની શાનદાર ઇનિંગ રમી હતી જ્યારે શ્રેયસ ઐયરે 48 રનનું યોગદાન આપ્યું હતું.