કોંગ્રેસના પ્રવક્તા શમા મોહમ્મદએ રોહિત શર્મા અંગે કરેલી ટીપ્પણી મામલે બીસીસીઆઈએ નારાજગી વ્યક્ત કરી
નવી દિલ્હીઃ BCCI ના સચિવ દેવજીત સૈકિયાએ કોંગ્રેસના પ્રવક્તા શમા મોહમ્મદ દ્વારા ભારતીય કેપ્ટન રોહિત શર્મા પર કરવામાં આવેલી ટિપ્પણીઓને અયોગ્ય ગણાવી. તેમણે કહ્યું કે, આવી ટિપ્પણીઓ બિલકુલ સ્વીકાર્ય નથી.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફી ગ્રુપ A મેચ દરમિયાન શમા મોહમ્મદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X'પર રોહિત શર્માને "જાડો ખેલાડી" અને "બિનઅસરકારક કેપ્ટન" કહ્યો. તેમણે લખ્યું, "રોહિત શર્મા એક ખેલાડી માટે ખૂબ જ જાડો છે! વજન ઘટાડવાની જરૂર છે! અને અલબત્ત, તે ભારતનો સૌથી બિનઅસરકારક કેપ્ટન છે."
આ નિવેદન પર પ્રતિક્રિયા આપતા BCCI સચિવે જણાવ્યું, "ટીમ ઈન્ડિયા જ્યારે ICC ટુર્નામેન્ટ રમી રહી છે ત્યારે કોઈ નેતા દ્વારા આવી ટિપ્પણી કરવી આશ્ચર્યજનક છે. આ દુર્ભાગ્યપૂર્ણ છે. આવી ટિપ્પણીઓ આપણા કેપ્ટન માટે સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. ટીમ ઈન્ડિયા સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે અને આ સમયે આવી બાબતો આશ્ચર્યજનક છે. અમે આ બાબતની તપાસ કરીશું."
રોહિત પર આપેલા આ નિવેદનની સોશિયલ મીડિયા પર ભારે ટીકા થઈ હતી અને આ મામલો વિવાદનું સ્વરૂપ લઈ ચૂક્યો છે. .
આ સંદર્ભમાં, કોંગ્રેસ નેતા પવન ખેરાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટ લખી -
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા ડૉ. શમા મોહમ્મદ દ્વારા ક્રિકેટ દિગ્ગજ પર કરવામાં આવેલી ટિપ્પણીઓ પાર્ટીના સત્તાવાર દૃષ્ટિકોણનું પ્રતિનિધિત્વ કરતી નથી. તેમને 'X' સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ્સ દૂર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે અને ભવિષ્યમાં વધુ સાવધ રહેવાની પણ સલાહ આપવામાં આવી છે.
મેચની વાત કરીએ તો, વરુણ ચક્રવર્તીની શાનદાર બોલિંગ (5 વિકેટ)ના કારણે ભારતે ન્યુઝીલેન્ડને 44 રનથી હરાવ્યું અને આઠ ટીમોની ટુર્નામેન્ટમાં ગ્રુપ Aમાં ટોચનું સ્થાન મેળવ્યું.