સંગમ ખાતે સ્નાન એ દિવ્ય અનુભૂતિની ક્ષણ છે: પ્રધાનમંત્રી
નવી દિલ્હીઃ મહાકુંભમાં દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પવિત્ર ડુબકી લગાવી રહ્યાં છે. તેમજ અનેક રાજકીય આગેવાનો અને ફિલ્મ કલાકારો પણ મહાકુંભમાં ડુબકી લગાવી છે. દરમિયાન આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રયાગરાજ ગયા હતા. તેમજ તેઓ સીએમ યોગી આદિત્યનાથ સાથે મહાકુંભમાં ગયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાકુંભમાં પવિત્ર ડુબકી લગાવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાકુંભમાં પવિત્ર સ્નાનને લઈને સોશિયલ મીડિયામાં પોતાની અનુભુતી વ્યક્ત કરવાની સાથે ફોટોગ્રાફ પણ શેર કર્યાં હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજમાં મહાકુંભની મુલાકાત લીધી અને પવિત્ર સંગમમાં સ્નાન કર્યું હતું. X પર અલગ અલગ પોસ્ટ્સમાં તેમણે લખ્યું: “પ્રયાગરાજમાં મહાકુંભમાં આવીને ધન્ય થઈ ગયો. સંગમમાં સ્નાન એ દિવ્ય આત્મીયતાની ક્ષણ છે અને તેમાં ભાગ લેનારા કરોડો અન્ય લોકોની જેમ, હું પણ ભક્તિની ભાવનાથી ભરાઈ ગયો હતો. મા ગંગા બધાને શાંતિ, જ્ઞાન, સારું સ્વાસ્થ્ય અને સંવાદિતાના આશીર્વાદ આપે.” “પ્રયાગરાજ મહાકુંભમાં આજે પવિત્ર સંગમમાં સ્નાન કર્યાં પછી મને પૂજા-અર્ચનાનું પરમ સૌભાગ્ય મળ્યું છે. મા ગંગાના આશીર્વાદ પ્રાપ્ત કરીને મનને અપાર શાંતિ અને સંતોષ મળ્યો છે. તેમની સમક્ષ તમામ દેશવાસીઓની સુખ, સમૃદ્ધિ, સ્વાસ્થ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરી છે. હર-હર ગંગે!”