બાંગ્લાદેશની અરાજકતા સુરતને ફળી, 100 કરોડથી વધુનો ઓર્ડર મળ્યો
- સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગમાં તેજીનો દૌર,
- વિશ્વની 50 મલ્ટી નેશનલ કંપનીઓએ સુરતના વેપારીઓનો કર્યો સંપર્ક,
- ગારમેન્ટની વૈશ્વિક બ્રાન્ડેડ કંપનીઓને હવે બાંગ્લાદેશમાં કોઈ રસ નથી
સુરતઃ ભારતના પાડોશી એવા બાંગ્લાદેશમાં સત્તાપલટા બાદ છેલ્લા ઘણા સમયથી અરાજકતા વ્યાપી છે. હિન્દુ સમાજના લોકો પર હુમલાઓ થઈ રહ્યા છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ભાંગી પડી છે. તેથી બાંગ્લાદેશના ઉદ્યોગોને પણ વિપરિત અસર પડી રહી છે. બાંગ્લાદેશમાં ટેક્સટાઈલ ઉદ્યોગ અનેક લોકોને રોજગારી આપતો સૌથી મોટો ઉદ્યોગ છે. પણ હાલ ગારમેન્ટના મોટો ઓર્ડરો કેન્સલ થઈ રહ્યા છે. ત્યારે બાંગ્લાદેશની અરાજકતાનો ફાયદો સુરતને મળી રહ્યો છે. વિશ્વની મોટી 50 કરતાં વધુ મલ્ટીનેશનલ કંપનીઓના બાયિંગ હાઉસ સુરતના ઉદ્યોગકારોને સંપર્ક કરી રહ્યા છે અત્યાર સુધી 100 કરોડ રૂપિયાનો વેપાર સુરતને મળી ગયો છે.
સુરત શહેરમાં વર્ષોથી ટેક્સટાઇલ ઉદ્યોગ ખૂબ જ સફળતાપૂર્વક આગળ વધી રહ્યો હતો. ટેક્સટાઇલ ઉદ્યોગથી અનેક લોકો રોજગારી મેળવી રહ્યા છે. જોકે ગારમેન્ટ ઉદ્યોગમાં છેલ્લા કેટલાક મહિનાથી થોડો મંદીનો માહોલ હતો પણ હવે સારાએવા ઓર્ડર મળવા લાગ્યા છે. બાંગ્લાદેશમાં અસ્થિરતાની સ્થિતિના કારણે હવે સુરતના કાપડ ઉદ્યોગને મોટો લાભ મળી રહ્યો છે. વિશ્વની મોટી 50 કરતાં વધુ મલ્ટીનેશનલ કંપનીઓના બાયિંગ હાઉસ સુરતના ઉદ્યોગકારોને સંપર્ક કરી રહ્યા છે. આના પાછળનું મુખ્ય કારણ છે બાંગ્લાદેશની અસ્થિર સ્થિતિ. આ કંપનીઓ હવે ગાર્મેન્ટિંગ કામ સુરતમાં કરાવવા માંગે છે. આ માટે MOU કરાવવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. જેના કારણે માત્ર ગણતરીના દિવસોમાં જ સુરતને 100 કરોડ રૂપિયાથી પણ વધુનો વેપાર મળી ગયો છે.
એશિયાનું સૌથી મોટું કાપડ બજાર સુરતમાં આવેલું છે, જ્યાં દરરોજ 3 કરોડ મીટર કાપડનું ઉત્પાદન થાય છે. સુરતનું કાપડ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિદેશમાં પણ પહોંચે છે. અત્યાર સુધી સુરતમાંથી કાપડ લઈને વિશ્વની બ્રાન્ડેડ કંપનીઓ બાંગ્લાદેશ સહિત અન્ય દેશોમાં ગાર્મેન્ટિંગ કરાવતી હતી, પરંતુ છેલ્લા થોડા મહિનામાં બાંગ્લાદેશમાં જે પરિસ્થિતિ ઊભી થઈ છે, તે કારણે બ્રાન્ડેડ કંપનીઓ બાંગ્લાદેશને બદલે સુરતમાંથી કામ કરાવવા ઇચ્છે છે. અત્યાર સુધી વિશ્વની મોટી બ્રાન્ડેડ કંપની માટે સુરતનું કાપડ બાંગ્લાદેશ અને વિયેતનામ જેવા દેશોમાં ગાર્મેન્ટિંગ માટે વપરાતું હતું. હવે વિશ્વની મોટી બ્રાન્ડેડ કંપનીઓ ગાર્મેન્ટિંગનું કામ પણ સુરતમાં જ કરાવવાની ઇચ્છા રાખે છે. અત્યાર સુધી 100 કરોડ રૂપિયાનો વેપાર સુરતને મળી ગયો છે. આ કારણે સુરતમાં લાખો લોકોને રોજગારી મળવાની શક્યતાઓ ઊભી થઈ છે. બ્રાન્ડેડ કંપનીઓ બાંગ્લાદેશમાંથી પોતાનું સમગ્ર ગાર્મેન્ટિંગ વ્યવસાય સુરતમાં શિફ્ટ કરવા માટે વિવિધ એજન્સીઓનો સહારો લઈ રહી છે. 50થી વધુ મલ્ટીનેશનલ કંપનીઓના બાયિંગ હાઉસ હાલમાં સુરતના ઉદ્યોગકારો સાથે સંપર્કમાં છે.
કાપડના વેપારીઓના કહેવા મુજબ સુરત સિન્થેટિક ફેબ્રિક માટે સૌથી મોટું હબ છે. અગાઉ અહીંથી જે કાપડ બાંગ્લાદેશમાં મોકલાતા હતા, તે હવે સુરતમાં જ ગાર્મેન્ટિંગ માટે વપરાશે. સુરતમાં ગાર્મેન્ટ ઉત્પાદન માટે મહાન તકો ઉપલબ્ધ છે. ચીનની સ્થિતિ પણ સારી નથી. બાંગ્લાદેશમાં જે વાતાવરણ છે, તેનાથી તમામ કંપનીઓ ડરી ગઈ છે. ભારતમાં જે સ્થિરતાની સ્થિતિ છે, તે કંપનીઓ માટે વિશ્વાસ પેદા કરે છે. તેઓને લાગે છે કે સુરતમાં તમામ સુવિધાઓ એક જ જગ્યાએ ઉપલબ્ધ થશે, જેમાં પ્રોસેસિંગ અને ગાર્મેન્ટિંગનો સમાવેશ થાય છે.