પશ્ચિમ બંગાળ બોર્ડર ઉપર બાંગ્લાદેશી ઘુસણખોરોએ BSF ના જવાનો ઉપર કર્યો હુમલો
નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળ સરહદ દ્વારા ભારતમાં પ્રતિબંધિત વસ્તુઓની દાણચોરી કરવાનો પ્રયાસ કરી રહેલા બાંગ્લાદેશી ઘુસણખોરોએ બુધવારે BSF પેટ્રોલિંગ પાર્ટી પર હુમલો કર્યો હતો, જેમાં એક જવાન ઘાયલ થયો હતો. ઘુસણખોરો મોટી સંખ્યામાં લાકડીઓ લઈને આવ્યા હતા અને તેમની પાસે વાયર કટર પણ હતા. જ્યારે BSF જવાનોએ તેમને પડકાર ફેંક્યો, ત્યારે તેમણે રોકવાને બદલે તીક્ષ્ણ હથિયારોથી આક્રમક હુમલો કર્યો હતો.
દક્ષિણ દિનાજપુર નજીક મલિકપુર ગામમાં બાંગ્લાદેશી બદમાશોના એક જૂથે ગેરકાયદેસર રીતે દાણચોરી અથવા લૂંટનો પ્રયાસ કર્યો હતો. BSF જવાનોએ તેમને ભારતીય સરહદમાં પ્રવેશતા જોયા અને તેમને રોકવા કહ્યું, પરંતુ રોકવાને બદલે, ઘુસણખોરોએ BSF જવાનો પર હુમલો કર્યો. તેમને રોકવા માટે BSF સૈનિકોએ બિન-ઘાતક દારૂગોળોથી ગોળીબાર કર્યો હતો, પરંતુ બાંગ્લાદેશી નાગરિકોએ તેમની આક્રમકતા ચાલુ રાખી અને BSF પાર્ટીને ઘેરી લીધી હતી. બદમાશોએ BSF જવાનોનું WPN છીનવી લેવાનો પ્રયાસ કર્યો અને ઝપાઝપીમાં BSF જવાનો ઘાયલ થયા હતા. પોતાના જીવનું જોખમ સમજીને, BSF જવાનોએ સ્વબચાવમાં બાંગ્લાદેશી બદમાશો પર ગોળીબાર કર્યો હતો, જેના કારણે તેઓ ભાગી ગયા હતા. આ બનાવમાં એક બાંગ્લાદેશી ઘાયલ થયો હોવાનું જાણવા મળે છે. ઘટનાસ્થળેથી હથિયારો, લાકડીઓ અને વાયર કટર મળી આવ્યા છે. આ ઉપરાંત, એક ઘાયલ સૈનિકને પણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આ પહેલી વાર નથી જ્યારે બાંગ્લાદેશી ગુનેગારોએ ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હોય, BSF જવાનોએ અગાઉ પણ ઘણી વખત તેમને સરહદ પર રોકવાનો પ્રયાસ કર્યો છે. ઘણી વખત તેઓ પકડાઈ ગયા અને પડોશી દેશમાં પાછા સોંપવામાં આવ્યા હતા.