1971ના મુક્તિ યુદ્ધ દરમિયાન પાકિસ્તાની સેનાએ આચરેલા અત્યાચાર મામલે બાંગ્લાદેશે માફી માંગવા સૂચન કર્યું
ઢાકાઃ બાંગ્લાદેશે પાકિસ્તાનને 1971ના મુક્તિ યુદ્ધ દરમિયાન પાકિસ્તાની સેના દ્વારા બંગાળીઓ પર કરવામાં આવેલા અત્યાચારો માટે ઔપચારિક રીતે માફી માંગવા જણાવ્યું છે. એટલું જ નહીં, પાકિસ્તાનની સંપત્તિમાં પોતાનો હિસ્સો માંગતી વખતે, તેણે ઇસ્લામાબાદને બાંગ્લાદેશને $4.5 બિલિયનનું બાકી વળતર ચૂકવવા પણ કહ્યું છે. આમાં 1971ના યુદ્ધ દરમિયાન બાંગ્લાદેશ છોડી ન શક્યા હોય તેવા ફસાયેલા પાકિસ્તાનીઓનું પરત ફરવું અને 1970માં ચક્રવાત ભોલા માટે વિદેશી સહાય તરીકે મળેલા નાણાંનો સમાવેશ થાય છે.
4.3 બિલિયન ડોલરના વળતરમાં 1971 પહેલાના અવિભાજિત પાકિસ્તાનની સંપત્તિનો તેનો હિસ્સો શામેલ છે, જેમાં સહાય નાણાં, ભવિષ્ય ભંડોળ અને બચત સાધનોનો સમાવેશ થાય છે. બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે વિદેશ સચિવ સ્તરની બેઠક યોજાઈ હતી જેમાં બાંગ્લાદેશે ઘણા જૂના અને સંવેદનશીલ મુદ્દાઓ ઉઠાવ્યા હતા. બાંગ્લાદેશે ઓપરેશન સર્ચલાઇટનો પણ ઉલ્લેખ હતો, જેમાં પાકિસ્તાની સેનાએ અંદાજે 30 લાખ બંગાળીઓને મારી નાખ્યા હતા અને 10 લાખથી વધુ મહિલાઓ પર બળાત્કાર ગુજાર્યો હતો. 1971માં પાકિસ્તાન સાથેના લોહિયાળ યુદ્ધ બાદ બાંગ્લાદેશને આઝાદી મળી હતી.
રિપોર્ટ અનુસાર, 1970 ના ભોલા ચક્રવાત બાદ પાકિસ્તાને બાંગ્લાદેશને વિદેશી સહાયમાં 20 કરોડ ડોલરનો પોતાનો હિસ્સો ફાળવ્યો ન હતો. વિશ્વ હવામાન સંગઠનના અહેવાલ મુજબ, 1970નું ચક્રવાત ભોલા વિશ્વનું સૌથી ઘાતક ઉષ્ણકટિબંધીય ચક્રવાત હતું, જેમાં હાલના બાંગ્લાદેશમાં અડધા મિલિયન લોકો માર્યા ગયા હતા. બાંગ્લાદેશના વિદેશ સચિવ મોહમ્મદ જશીમ ઉદ્દીને એક મીડિયા અહેવાલમાં જણાવ્યું હતું કે, "આપણા સંબંધો માટે મજબૂત પાયો નાખવા માટે આ મુદ્દાઓનું નિરાકરણ લાવવાની જરૂર છે."
બાંગ્લાદેશ અને પાકિસ્તાને ગુરુવારે પદ્માના સ્ટેટ ગેસ્ટ હાઉસ ખાતે વિદેશ કાર્યાલય પરામર્શ (FOC) યોજ્યો. બાંગ્લાદેશના વિદેશ સચિવ મોહમ્મદ જશીમ ઉદ્દીન અને તેમના પાકિસ્તાની સમકક્ષ અમના બલોચે FOC ખાતે પોતપોતાના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું. જશીમ ઉદ્દીને જણાવ્યું હતું કે પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન અને વિદેશ પ્રધાન ઇશાક ડાર 27-28 એપ્રિલના રોજ બાંગ્લાદેશની સત્તાવાર મુલાકાત લેશે. તેમણે આશા વ્યક્ત કરી કે બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે સીધી ફ્લાઇટ્સ ટૂંક સમયમાં શરૂ થશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બલોચે બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ અને વિદેશ બાબતોના સલાહકાર મોહમ્મદ તૌહીદ હુસૈનને પણ અલગથી મળ્યા અને પરસ્પર હિતોના મુદ્દાઓ પર ચર્ચા કરી.