બાંગ્લાદેશે ભારત સહિત છ દેશમાં રાજદ્વારીઓને પરત બોલાવ્યાં
નવી દિલ્હીઃ બાંગ્લાદેશની વચગાળાની સરકારે તાજેતરમાં ભારત સહિત 5 દેશોના રાજદ્વારીઓને ઢાકા પાછા બોલાવવાનો આદેશ જારી કર્યો છે. તેમાં ભારતના હાઈ કમિશનર મુસ્તાફિઝુર રહેમાન, સંયુક્ત રાષ્ટ્રમાં કાયમી પ્રતિનિધિ મોહમ્મદ અબ્દુલ મુહિત, ઓસ્ટ્રેલિયાના હાઈ કમિશનર એમ અલ્લામા સિદ્દીકી, બેલ્જિયમમાં રાજદૂત મહેબૂબ હસન સાલેહ અને પોર્ટુગલના રાજદૂત રેજિના અહેમદનો સમાવેશ થાય છે. આ આદેશ બાંગ્લાદેશના વિદેશ મંત્રાલય દ્વારા કોઈપણ વિલંબ વિના પાછા ફરવાની સૂચના સાથે જારી કરવામાં આવ્યો હતો. દેશની વિદેશ સેવામાં અસંતોષને કારણે અથવા અન્ય આંતરિક કારણોસર આ પગલું લેવામાં આવ્યું હોઈ શકે છે, કારણ કે આ નિમણૂંકો રાજકીય ન હતી.
વડા પ્રધાન શેખ હસીનાનું રાજીનામું અને દેશમાંથી વિદાય બાદ તાજેતરના મહિનાઓમાં બાંગ્લાદેશમાં રાજકીય પરિસ્થિતિ અસ્થિર છે. વધી રહેલા વિરોધને કારણે હસીનાએ 5 ઓગસ્ટે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને ભારતમાં આશરો લીધો હતો. આ પછી બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં વચગાળાની સરકારની રચના કરવામાં આવી. દરમિયાન, દેશમાં રાજકીય અસ્થિરતાને કારણે, લઘુમતી જૂથો દ્વારા ખાસ કરીને હિન્દુઓ પર હુમલા કરાતા હોવાના આક્ષેપો થઈ રહ્યાં છે, જોકે વચગાળાની સરકારે આ હુમલાઓને ધાર્મિકને બદલે રાજકીય ગણાવ્યા છે.