બાંગ્લાદેશઃ ચિન્મયદાસને હજુ એક મહિનો જેલમાં રહેવુ પડશે, જામીન અરજીની સુનાવણી ટળી
ઢાકાઃ બાંગ્લાદેશમાં હિંદુ પૂજારી ચિન્મય કૃષ્ણ દાસની જામીન અરજી પર સુનાવણી મંગળવારે મોકૂફ રાખવામાં આવી હતી. આ કેસમાં ચિન્મય દાસ વતી દલીલ કરવા માટે ચિત્તાગોંગ કોર્ટમાં કોઈ વકીલ હાજર નહોતો રહ્યો. આ પછી કોર્ટે કેસની સુનાવણી સ્થગિત કરી દીધી હતી. આમ ચિન્મયદાસજીને હાલની સ્થિતિએ કોઈ રાહત મળી નથી. દરમિયાન, ઈસ્કોને કહ્યું છે કે તાજેતરમાં ચિન્મય દાસના વકીલ રમેન રોય ઉપર હુમલો કરાયો હતો. હાલ તેમની હાલત ગંભીર છે.
ઇસ્કોન કોલકાતાના પ્રવક્તા રાધારમણ દાસે દાવો કર્યો હતો કે બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાયના અગ્રણી ચહેરા ચિન્મય કૃષ્ણ દાસ પ્રભુનો બચાવ કરી રહેલા વકીલ રમેન રોય પર નિર્દયતાથી હુમલો કરવામાં આવ્યો છે. હુમલામાં તે ગંભીર રીતે ઘાયલ છે અને હોસ્પિટલમાં જીવની લડાઈ લડી રહ્યા છે. દાસે કહ્યું કે વકીલ રોયની એક માત્ર ભૂલ કે તેઓ કોર્ટમાં ચિન્મય પ્રભુનો બચાવ કરી રહ્યાં હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓ બેફામ બન્યાં છે તેમજ તેમને તંત્ર દ્વારા પણ આડકતરુ સમર્થન મળતું હોય તેમ કટ્ટરપંથીઓ હિન્દુઓને નિશાન બનાવી રહ્યાં છે. હિન્દુઓના ધાર્મિક સ્થળોની સાથે હિન્દુઓ ઉપર સતત હુમલા કરી રહ્યાં છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચાર મામલે ભારતે નારાજગી વ્યક્ત કરી હતી. એટલું જ નહીં દુનિયાના અનેક દેશોએ આ મામલે નારાજગી વ્યક્ત કરીને હુમલા અટકાવવા માટે માંગણી કરી છે. છેલ્લા કેટલાક સમયથી કટ્ટરપંથીઓ સતત હિન્દુઓને નિશાન બનાવી રહ્યાં છે.