બનાસ ડેરીને સહકારી શ્રેષ્ઠતા કેટેગરીમાં મહાત્મા ગાંધી એવોર્ડ એનાયત કરાયો
- ભારતના સહકારી ક્ષેત્રની અગ્રણી સંસ્થા બનાસ ડેરીને વૈશ્વિક સ્તરે સન્માન મળ્યું,
- બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ નવી દિલ્હી ખાતે ગૌરવપૂર્ણ એવોર્ડ સ્વીકાર્યો,
- આ સન્માન ભવિષ્યમાં વધુ ઊંચાં લક્ષ્યો હાંસલ કરવાની પ્રેરણા આપશેઃ ચૌધરી
પાલનપુરઃ એશિયાની સૌથી મોટી ગણાતી બનાસ ડેરીને ‘કો-ઓપરેટિવ એક્સલન્સ’ (સહકારી શ્રેષ્ઠતા) કેટેગરીમાં પ્રતિષ્ઠિત ‘મહાત્મા એવોર્ડ’ એનાયત કરીને સન્માનિત કરવામાં આવી છે. આ સન્માન ભારતના સહકારી ક્ષેત્રની અગ્રણી સંસ્થા બનાસ ડેરીને વૈશ્વિક સ્તરે મળ્યું છે. આ વૈશ્વિક સ્તરનું સન્માન એવી સંસ્થાઓ અને મહાનુભાવોને આપવામાં આવે છે, જેઓ ટકાઉ વિકાસ, સમુદાય સશક્તિકરણ અને સુરક્ષિત ભવિષ્યના નિર્માણ માટે અડગ પ્રતિબદ્ધતા દર્શાવે છે.
બનાસ ડેરીને મળેલો આ એવોર્ડ માત્ર બનાસકાંઠા જ નહીં પણ ગુજરાતનો ગૌરવ છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ નવી દિલ્હી ખાતે આ ગૌરવપૂર્ણ એવોર્ડનો સ્વીકાર્યો હતો. તેમણે આ સન્માન બનાસ ડેરી સાથે જોડાયેલા લાખો પશુપાલકોની સખત મહેનત, સહકારની ભાવના અને અવિરત સમર્પણને સમર્પિત કર્યું હતું.
બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, “બનાસ ડેરીનું વિઝન માત્ર દૂધ ઉત્પાદનના લક્ષ્યો સુધી સીમિત નથી, પરંતુ ખેડૂતો, ગ્રાહકો અને પૃથ્વી માટે એક ટકાઉ અને સમૃદ્ધ ભવિષ્યનું નિર્માણ કરવાનું છે. આ એવોર્ડ એ વાતની વૈશ્વિક માન્યતા છે કે સહકારી મોડેલ દ્વારા માત્ર આર્થિક જ નહીં, પરંતુ સામાજિક અને પર્યાવરણીય પડકારોનો પણ અસરકારક રીતે સામનો થઈ શકે છે. આ સન્માન અમારા માટે ભવિષ્યમાં વધુ ઊંચાં લક્ષ્યો હાંસલ કરવાની પ્રેરણા આપશે.
આ સન્માન બનાસ ડેરીની સતત પ્રગતિની પ્રતિબદ્ધતા અને લાખો પશુપાલકોના મજબૂત સહકારનું પ્રતીક છે. ડેરી દ્વારા વિવિધ મુખ્ય ક્ષેત્રોમાં અમૂલ્ય યોગદાન આપવામાં આવે છે. આ યોગદાનમાં ટકાઉ અને પર્યાવરણને અનુકૂળ પદ્ધતિઓનો સમાવેશ થાય છે, જેમાં પર્યાવરણની જાળવણી સાથે વ્યવસાયિક પ્રવૃત્તિઓનું સંચાલન કરવામાં આવે છે. પશુપાલકોના આર્થિક ઉત્થાન માટે ગુણવત્તાયુક્ત પશુ આહાર, સઘન રસીકરણ અભિયાન અને પશુ વીમા યોજનાઓ દ્વારા આર્થિક સુરક્ષા પૂરી પાડવામાં આવે છે.