દેવભૂમિ દ્વારકાના 21 જેટલા નિર્જન ટાપુઓ પર જવા પ્રતિબંધ
- જિલ્લાના સમુદ્રમાં આવેલા 24 ટાપુઓમાંથી બે ટાપુ પર જ માનવ વસાહત છે
- 7 ટાપુઓ પર મહિનાઓ પહેલા ધાર્મિક દબાણો દૂર કરાયા હતા,
- મરીન પોલીસની પણ નિર્જન ટાપુઓ પર ચાંપતી નજર
જામ ખંભાળિયાઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના સમુદ્ર વિસ્તારમાં આવેલા 21 જેટલા નિર્જન ટાપુ પર લોકોની અવર જવર પર રોક લગાવવામાં આવી છે. દેવભૂમિ દ્વારકાના અધિક જિલ્લા કલેક્ટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. સમુદ્ર તટથી ત્રણ તરફથી જોડાયેલા દ્વારકા જિલ્લામાં આવેલા કુલ 24 ટાપુમાંથી માત્ર 2 ટાપુ પર જ માનવ વસાહત છે. જ્યારે 21 ટાપુ નિર્જન છે. એટલે બે સિવાય બાકીના ટાપુઓ પર માનવ વસતી નથી. જોકે કેટલાક સ્થાનો પર ગેરકાયદે ધાર્મિક સ્થાનો હતા. એટલે ઘણા લોકોની અવર-જવર રહેતી હતી. પણ આવા ધાર્મિક સ્થાનો દુર કરી દેવામાં આવ્યા છે.
દેવ ભૂમિ દ્વારકા જિલ્લાના સમુદ્રના રસ્તે દેશવિરોધી પ્રવૃતિ ન થાય એટલા માટે તંત્રએ નિયંત્રણો મુક્યા છે. દ્વારકાના સમુદ્રી વિસ્તારમાં આવેલા 21 નિર્જન ટાપુ પર કોઈપણ વ્યકિત ધાર્મિક પ્રવૃતિના નામ પર દેશ વિરોધી પ્રવૃત્તિ હાથ ના ધરે તે બાબત એ સુરક્ષા વ્યસ્થાને ધ્યાને લઈ કરાયું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું. આમાંથી સાત જેટલા ટાપુઓ પર થોડા સમય પહેલા જ અનેક ગેરકાયદે ધાર્મિક દબાણો દૂર કરાયા હતા. 31 માર્ચ 2025 સુધી આ ટાપુઓ પર અવર જવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
જિલ્લા કલેક્ટર કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ જિલ્લામા દરિયાઈ વિસ્તારમાં આવેલા 21 ટાપુઓ જેવા કે (1) ધાની ઉર્ફે ડની ટાપુ, (2) ગાંધીયોકડો ટાપુ, (3) કાલુભાર ટાપુ, (4) રોઝી ટાપુ, (5) પાનેરો ટાપુ, (6) ગડુ (ગારૂ) ટાપુ, (7) સાનબેલી (શિયાળી) ટાપુ, (8) ખીમરોઘાટ ટાપુ, (9) આશાબાપીર ટાપુ (10) ભૈદર ટાપુ (11) ચાંક ટાપુ (12) ધબધબો (દબદબો) ટાપુ (13) દીવડી ટાપુ (14) સામીયાણી ટાપુ (15) નોરૂ ટાપુ (16) માન મરૂડી ટાપુ (17) લેફા મરૂડી ટાપુ (18) લંધા મરૂડી ટાપુ (19) કોઠાનું જંગલ ટાપુ (20) ખારા મીઠા ચુષ્ણા ટાપુ (21) કુડચલી ટાપુ ઉપર જે તે ટાપુની મહેસુલી હકુમત ધરાવતા પ્રાંત અધિકારી અને સબ – ડિવીઝનલ મેજીસ્ટ્રેટની લેખિત પૂર્વ મંજુરી વિના પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે. આ જાહેરનામું તા.30/01/2025થી તા.30/03/2025 સુધી અમલમાં રહેશે.