અમદાવાદમાં નવરાત્રીના તહેવારોમાં રાત્રે 12 વાગ્યા બાદ લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ
- અમદાવાદના પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું,
- ખેલૈયાઓ રાતના 12 વાગ્યા સુધી જ લાઉડ સ્પીકર કે માઇક પર ગરબા કરી શકશે,
- 12 વાગ્યા બાદ સ્પીકર અને માઈક સિસ્ટમ વાપરનાર સામે ગુનો નોંધાશે
અમદાવાદઃ નવલી નવરાત્રીને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. શહેરની દરેક સોસાયટીઓ, પાર્ટીપ્લોટ્સ, કલબોમાં નવરાત્રીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે નવરાત્રી દરમિયાન રાતના 12 વાગ્યા બાદ લાઉડ સ્પીકર કે માઇકનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મુકાયો છે. ખેલૈયાઓ રાતના 12 વાગ્યા સુધી જ લાઉડ સ્પીકર કે માઇક પર ગરબા કરી શકશે. આ અંગે શહેરના પોલીસ કમિશનર દ્વારા જાહેરનામા પ્રસિદ્ધ કરવામાં આવ્યુ છે.
અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં 22 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન નવરાત્રિના 10 દિવસ સુધી રાતના 10થી 12 વાગ્યા સુધી રાસ ગરબા, દાંડીયા કે નવરાત્રિની ઉજવણી અંગે કોઈપણ કાર્યક્રમ માઇક સિસ્ટમ, લાઉડ સ્પીકર કે પબ્લિક એડ્રેસ સિસ્ટમનો ઉપયોગ કરી શકાશે. રાતના 12 વાગ્યા બાદ માઇક સિસ્ટમ, લાઉડ સ્પીકર કે પબ્લિક એડ્રેસ સિસ્ટમનો ઉપયોગ કરી શકાશે નહીં. આ તમામ સિસ્ટમનો ઉપયોગ નોઇસ પોલ્યુશનની જોગવાઈઓને આધિન કરવાનો રહેશે. રાતના 12 વાગ્યા બાદ લાઉડ સ્પીકર અને માઈક સિસ્ટમનો ઉપયોગ કરનારા સામે પોલીસ કમિશનરના જાહેરનામા ભંગનો ગુનો નોંધાશે.
આ ઉપરાંત વાહન વ્યવહારને લઈને પણ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં 22 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી નવરાત્રિ મહોત્સવ અને દશેરાની ઉજવણી થવાની છે. આ દરમિયાન શહેરમાં ટ્રાફિક નિયમન જળવાઈ રહે અને માર્ગ અકસ્માતોના બનતા બનાવ અટકે તેથી શહેરમાં સવારે 8 વાગ્યાથી લઈને રાત્રે 2 વાગ્યા સુધી તમામ પ્રકારના પ્રતિબંધિત ભારે વાહનો શહેરમાં પ્રવેશી શકશે નહીં.