પાકિસ્તાનઃ બલુચિસ્તાનમાં મુસાફરો ભરેલી ટ્રેનને બલોચ લિબરેશન આર્મીએ હાઈજેક કરી
આર્થિક રીતે કંગાળ પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક વર્ષોથી ગૃહયુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. પાકિસ્તાની શાસકો અને આર્મી સામે અનેક સ્થળો ઉપર દેખાવો કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન બલોચ લિબરેશન આર્મી એટલે કે બીએલએએ મુસાફરો ભરેલી ટ્રેનને હાઈજેક કરી હોવાનું જાણવા મળે છે. તેમજ ટ્રેનમાં મુસાફરી કરતા 120થી વધારે પ્રવાસીઓને બંધક બનાવવામાં આવ્યાં છે. ટ્રેન હાઈજેકની ઘટનાને પગલે પાકિસ્તાનની સુરક્ષા એજન્સીઓ સાબદી બની છે તેમજ બંધક બનાવાયેલા મુસાફરોને બચાવવા માટે કવાયત શરૂ કરી છે.
બલોચ લિબરેશન આર્મી એટલે કે બીએલએએ પાકિસ્તાનના બલુચિસ્તાનમાં જાફર એક્સપ્રેસ ટ્રેનને હાઈજેક કરી છે. એટલું જ નહીં બલોચ આર્મીએ ટ્રેનમાં મુસાફરી કરતા તમામ પ્રવાસીઓને બંધક બનાવ્યાં છે. બલોચ લિબરેશન આર્મીએ સોશિયલ મીડિયા મારફતે ટ્રેન હાઈજેકની જાણકારી આપી હતી. બલુચ લિબરેશન આર્મીએ સોશિયલ મીડિયા ઉપર જણાવ્યું હતું કે, મશ્કફ, ધારર, બોલનમાં ઓપરેશનને અંજામ આપવામાં આવ્યું છે. જ્યાં અનેક લડાકોએ રેલવે ટ્રેકને ઉખાડી ફેંક્યાં છે. જેને પગલે જાફર એક્સપ્રેસ અટકાવાઈ હતી. આ ઉપરાંત ટ્રેનને નિયંત્રણમાં લીધી હતી, તેમજ તમામ યાત્રિકોને બંધક બનાવ્યાં હતા. બીએલએએ ધમકી આપી હતી કે, જો પાકિસ્તાન સેના કોઈ પણ પ્રકારનું સૈન્ય અભિયાન કરશે તો પરિણામ ગંભીર આવશે અને તમામ બંધકોને મારી નાખવામાં આવશે. આ હત્યાઓની જવાબદારી સંપૂર્ણ રીતે સેનાની રહેશે.
પાકિસ્તાની મીડિયા અનુસાર, ક્વેટાથી પેશાવર જતી જાફર એક્સપ્રેસને પેહરો કુનરી અને ગડલર વચ્ચે ટનલ નંબર આઠ પાસે કેટલાક સશસ્ત્ર માણસોએ રોકી હતી. ડોન ન્યૂઝ અનુસાર, નવ કોચવાળી આ ટ્રેનમાં 500 મુસાફરો છે. ટ્રેન અપહરણની માહિતી મળ્યા બાદ બલુચિસ્તાન સરકારે કટોકટીની સ્થિતિ લાગુ કરી છે. બલુચિસ્તાન સરકારના પ્રવક્તા શાહિદ રિંદે જણાવ્યું હતું કે સિબી હોસ્પિટલમાં કટોકટી લાગુ કરવામાં આવી છે. જ્યારે એમ્બ્યુલન્સ અને સુરક્ષા દળો ઘટનાસ્થળે રવાના થઈ ગયા છે. રિંદે જણાવ્યું હતું કે રેલ્વેએ પણ બચાવ કામગીરી શરૂ કરી દીધી છે.