પાટણ મેડિકલ કોલેજ રેગિંગકાંડમાં 7ના જામીન નામંજુર,15ને જ્યુડિ. કસ્ટડીમાં મોકલાયા
- 15 આરોપી વિદ્યાર્થીઓને 14 દિવસની જ્યુડિ, કસ્ટડી,
- 7 વિદ્યાર્થીઓએ જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી,
- પોલીસે વધુ રિમાન્ડ ન માગ્યા
પાટણઃ શહેર નજીક આવેલી ધારપુર મેડિકલ કોલેજમાં સિનિયર્સ વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરાતાં એમબીબીએસના પ્રથમ વર્ષના વિદ્યાર્થી અનિલ મેથાણિયાનું મોત થયું છે. આ મામલે ભારે હોબાળો મચ્યા બાદ કોલેજના સત્તાધિશોએ 15 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરીને તેમની સામે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રેગિંગમાં સંડોવાયેલા 15 વિદ્યાર્થીઓની ધરપકડ કરી હતી. 15 આરોપી વિદ્યાર્થીને કોર્ટમાં રજૂ કરાતાં કોર્ટે એક દિવસના રિમાન્ડ આપ્યા હતા. જે રિમાન્ડ પૂર્ણ થતાં આરોપીઓને ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તેમજ અરજી કરનારા 7 આરોપીઓના જામીન નામંજૂર કરાયા છે. તમામ 15 આરોપી વિદ્યાર્થીઓ 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલાયા છે.
પાટણ રેગિંગ કેસમાં આરોપીઓના રિમાન્ડ પુરા થતા બુધવારે સાંજે ફરી 15 આરોપીઓને પોલીસ બંદોબસ્ત સાથે એડિશન સિવિલ જજ ડો.એચ.પી જોષીની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે વધુ રિમાન્ડ માગ્યા ન હતા. બીજી તરફ 15માંથી 7 આરોપીઓએ જમીન અરજી મુકી હતી. જે નામંજૂર કરવામાં આવી છે. બંને પક્ષોની દલીલો સાંભળી કોર્ટે આરોપીઓની જામીન અરજી નામંજૂર કરતા આરોપીઓને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. તમામ 15 આરોપી વિદ્યાર્થીઓને સુજનીપુર સબજેલમાં ધકેલવામાં આવ્યાં છે. કોર્ટમાં જામીન મુકનારા આરોપીના વકીલ દ્વારા આ વિદ્યાર્થીઓ એમબીબીએસનો અભ્યાસ કરતા હોય તેમનો અભ્યાસ ના બગડે, સીસીટીવીમાં દેખાયા હોય તેવા તમામ વિદ્યાર્થીઓને આરોપી તરીકે લઈ લેવામાં આવ્યાં છે. અને મેડિકલ કોલેજ દ્વારા આ બનાવમાં પોતાની બેદરકારીને વિદ્યાર્થીઓ પર ઢોળી દેવામાં આવી હોવાની રજૂઆત કરી હતી. આરોપીઓના કૃત્યને કારણે એક આશાસ્પદ યુવાનનું મોત થયું છે. જે ગંભીર છે જેથી આરોપીઓના જામીન નામંજૂર કરવા જોઈએ જેવી ધારદાર રજુઆત સરકારી વકીલે કરી હતી. ત્યારે કોર્ટે બન્ને પક્ષના વકીલોની દલીલો સાંભળ્યા બાદ જામીન અરજી નામંજૂર કરીને તમામ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો હતો.
દરમિયાન પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ભોગ બનાવનારા વિદ્યાર્થીઓએ તમામ હકીકત જણાવી દીધી હતી. સાથે એક પણ આરોપી વિદ્યાર્થી ફરાર ન હતો. એક જ હોલમાં રેગિંગ કરવામાં આવ્યું હોવાથી રિકન્સ્ટ્રક્શન કરવાની જરૂર ન હતી. જો આરોપી ફરાર થઈ ગયા હોય અને થોડા દિવસ બાદ પકડાય તો રિકન્સ્ટ્રક્શન કરવું જરૂરી હોય છે. સાથે અલગ-અલગ જગ્યા પર રેગિંગ કરવામાં આવ્યું હોય તો રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે છે.