અરવલ્લી એક્સપ્રેસ ટ્રેનના એસી કોચમાં 7 પ્રવાસીઓનો સામાન ચોરાયો
• RPF સાથે કલાકની માથાકૂટ બાદ ફરિયાદ નોંધાઈ
• પ્રવાસીઓ રાજસ્થાનથી સુરત આવી રહ્યા હતા
• પ્રવાસીઓએ ટ્રેનના એટેન્ડન્ટ સ્ટાફની સંડોવણીની શંકા વ્યક્ત કરી
સુરતઃ લાંબા અંતરની ટ્રેનોમાં પ્રવાસીઓનો માલ-સામાનની ચોરીના બનાવો વધતા જાય છે. ત્યારે અરવલ્લી એક્સપ્રેસ ટ્રેનમાં રાજસ્થાનથી સુરત આવી રહેલા 7 પ્રવાસીઓનો સામાનની ચોરી થઈ હતી. આશ્વર્યની બાબત તો એ છે કે, તમામ પ્રવાસીઓ સેકન્ડ ક્લાસ એસી કોચમાં પ્રવાસ કરી રહ્યા હતા. એટલે એસી કોચમાં પણ પ્રવાસીઓ સલામત નથી. આ અંગે રેલવે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, અરવલ્લી એકસપ્રેસ ટ્રેનમાં રાજસ્થાનથી સુરત પ્રવાસીઓ આવી રહ્યા હતા, તે સમયે રાજસ્થાન વિસ્તારના રીંગસ રેલવે સ્ટેશન પાસે સેકન્ડ એસી કોચમાંથી છ યુવતી સહિત સાત મુસાફરનો સામાન ચોરાયો હતો. ટિકિટના 2500 રૂપિયા ચૂકવ્યાં બાદ પણ સામાન સલામત ન હોવાથી મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આરપીએફ જવાનો સાથે એક કલાકની માથાકૂટ બાદ આ પેસેન્જરોની ફરિયાદ નોંધવામાં આવી હતી. આ અંગે પ્રવાસીઓએ જણાવ્યું હતું કે, અમે રાજસ્થાનથી સુરત આવી રહ્યા હતા, ત્યારે સવારે સાડા સાત વાગ્યે અરવલ્લી એક્સપ્રેસ ટ્રેન રિંગસ સ્ટેશન પર પહોંચી હતી. ત્યારે એ 2 કોચમાં બેસેલી યુવતીઓએ અચાનક હોબાળો મચાવવાનું શરૂ કર્યું હતું. ત્યાં જતા જાણવા મળ્યું કે, કોચમાં બેસેલી છ યુવતીનો સામાન ચોરી થઈ ગયો હતો. અમે અમારો મારો સામાન ચેક કર્યો તો અમારો સામાન પણ ચોરી થયો હતો. ત્યારબાદ એક પેસેન્જરે ચેન પુલિંગ કરી હતી, જેથી આરપીએફના જવાનો પેસેન્જરની વચ્ચે પહોંચ્યા હતા. આરપીએફના જવાનોએ અમારી ફરિયાદ લેવાના બદલે અમારી સાથે જીભાજોડી પર ઉતરી ગયા હતાં અને ટ્રેન જવા દો તમારે ફરિયાદ કરવી હોય તો આગળના સ્ટેશન ઉપર કરી દો એવું કહ્યું હતું. પરંતુ જે લોકોનો સામાન ચોરી થયો હતો, તે લોકોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. બાદમાં જીઆરપીનો જવાન દોડી આવ્યો હતો અને તેણે કહ્યું હતું કે, અમે એક વ્યક્તિને પકડ્યો છે, જેની પાસેથી 3 બેગ મળી છે. ત્યારબાદ બે-ત્રણ વ્યક્તિના સામાન મળ્યા હતા. અમે તે સમયે રજુઆત કરી હતી કે, જેથી અન્ય લોકોના પણ સામાન મળી શકે. આ તમામ ઘટનામાં આરપીએફની કામગીરી ખૂબ જ નબળી જોવા મળી હતી. તેમણે ફરિયાદ લેવાના બદલે અમારી જોડે માત્ર જીભાજોડી કરીને ટાઈમ વેસ્ટ કર્યો હતો, જ્યારે જીઆરપીએ એક જ કલાકમાં ચોરને પકડી પડ્યો હતો. રાત્રિ દરમિયાનની મુસાફરીમાં કોચની અંદર એટેન્ડન્ટ અવરજવર કરતા હોય છે કે બહાર બેઠેલા હોય છે. તો શું રેલવે પ્રશાસન દ્વારા આ એટેન્ડેન્ટ સ્ટાફની તપાસ કરવામાં આવે છે કે નહિ તે પણ એક સવાલ છે.