કઝાકિસ્તાનમાં અઝરબૈજાન એરલાઇન્સનું વિમાન ક્રેશ, વિમાનમાં 110 પ્રવાસીઓ હતા
અસ્તાના: કઝાકિસ્તાનના અક્તાઉ શહેર પાસે એક પેસેન્જર પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. પ્રાથમિક અહેવાલો અનુસાર, અકસ્માતમાં કેટલાક મુસાફરોના બચી જવાની આશંકા છે. દેશના ઈમરજન્સી મંત્રાલયે આ ઘટના અંગે માહિતી આપી હતી. અઝરબૈજાન એરલાઇન્સ તરફથી તાત્કાલિક કોઈ ટિપ્પણી કરવામાં આવી ન હતી. કઝાક મીડિયાએ જણાવ્યું હતું કે પ્લેનમાં 105 મુસાફરો અને પાંચ ક્રૂ મેમ્બર સવાર હતા.
મંત્રાલયના જણાવ્યા અનુસાર, અકસ્માત સ્થળ પર આગ લાગી હતી, જેને બુઝાવવા માટે ઈમરજન્સી સર્વિસ ટીમ કામ કરી રહી છે. ઘટનાસ્થળેથી ધુમાડા અને કાટમાળની તસવીરો સામે આવી છે, જેનાથી દુર્ઘટનાની તીવ્રતાનો અંદાજ આવી શકે છે. રશિયન સમાચાર એજન્સીઓના અહેવાલો અનુસાર, પ્લેન અઝરબૈજાન એરલાઈન્સ દ્વારા સંચાલિત હતું અને તે રશિયાના ચેચન્યામાં બાકુથી ગ્રોઝની જઈ રહ્યું હતું. જોકે, ગ્રોઝનીમાં ગાઢ ધુમ્મસને કારણે પ્લેનનો રૂટ કઝાકિસ્તાન તરફ બદલવામાં આવ્યો હતો.
અધિકારીઓએ જણાવ્યું કે દુર્ઘટના બાદ તરત જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. હાલમાં, અકસ્માતમાં મૃત્યુ પામેલા અને બચેલા લોકોની સંખ્યા અંગેની સ્થિતિ સ્પષ્ટ નથી. આ દુર્ઘટનાએ આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન ક્ષેત્રને હચમચાવી નાખ્યું છે.