એપ્રિલ 2025 માં ઓટોમોબાઈલ રિટેલ વેચાણમાં 2.95% નો વધારો થયો
એપ્રિલ 2025 માં ભારતના કુલ ઓટોમોબાઈલ રિટેલ વેચાણમાં 2.95% નો નજીવો વધારો નોંધાયો હતો. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (FADA) અનુસાર, એપ્રિલ 2025 માં કુલ 22,87,952 યુનિટ વાહનોનું વેચાણ થયું હતું. ગયા મહિને, ચૈત્ર નવરાત્રી, અક્ષય તૃતીયા, વૈશાખી, બંગાળી નવું વર્ષ અને વિશુ જેવા ઘણા તહેવારોએ ગ્રાહકોને વાહન ખરીદી કરવા માટે પ્રેરિત કર્યા અને મહિનો સકારાત્મક રીતે સમાપ્ત થયો છે. ગયા વર્ષે એપ્રિલ 2024 માં, કુલ 22,22,463 વાહનોનું છૂટક વેચાણ થયું હતું. આ રીતે, વાર્ષિક ધોરણે આ વખતે વેચાણમાં થોડો વધારો જોવા મળ્યો છે.
FADA મુજબ, એપ્રિલમાં ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર, પેસેન્જર વાહનો (PV) અને ટ્રેક્ટરના વેચાણમાં અનુક્રમે 2.25%, 24.5%, 1.5% અને 7.5%નો વધારો થયો છે. તે જ સમયે, વાણિજ્યિક વાહનો (CV) ના વેચાણમાં 1%નો ઘટાડો થયો. એપ્રિલ મહિનામાં ટુ-વ્હીલરનું વેચાણ: ૧૬,૮૬,૭૭૪ યુનિટ (ગયા વર્ષે: ૧૬,૪૯,૫૯૧ યુનિટ), પેસેન્જર વાહનોનું વેચાણ: ૩,૪૯,૯૩૯ યુનિટ (ગયા વર્ષે: ૩,૪૪,૫૯૪ યુનિટ), થ્રી-વ્હીલરનું વેચાણ: ૯૯,૭૬૬ યુનિટ (પાછલા વર્ષે: ૮૦,૧૨૭ યુનિટ), વાણિજ્યિક વાહનોનું વેચાણ: 90,558 યુનિટ (પાછલા વર્ષ: 91,516 યુનિટ), ટ્રેક્ટરનું વેચાણ: ૬૦,૯૧૫ યુનિટ (પાછલા વર્ષે: ૫૬,૬૩૫ યુનિટ)નું વેચાણ થયું હતું.
FADA ના પ્રમુખ સી.એસ. વિગ્નેશ્વરે જણાવ્યું હતું કે લગ્નની મોસમ અને ગ્રામીણ વિસ્તારોમાં સારા રવિ પાકને કારણે, ડીલરોએ પૂછપરછમાં ભારે ઉછાળો જોયો હતો. તે જ સમયે, સારા વરસાદ અને જળાશયોની સ્થિતિને કારણે ગ્રામીણ માંગમાં વધારો થયો. નવા વાહનોના લોન્ચ અને ઉત્સવની ખરીદીને કારણે શહેરી માંગ પણ મજબૂત રહી, જોકે OBD2B ઉત્સર્જન ધોરણોને કારણે વધેલા ફાઇનાન્સિંગ દરો અને ભાવવધારા કેટલાક પડકારો ઉભા કરી રહ્યા છે.
FADA મુજબ, મે મહિના માટેનો અંદાજ મિશ્ર છે. ગ્રાહકો નવા મોડેલોના લોન્ચની રાહ જોઈ રહ્યા હોવાથી, પેસેન્જર વાહનોની માંગ સ્થિર રહી શકે છે. ટુ-વ્હીલર સેગમેન્ટમાં, લગ્નની મોસમ અને પાકના આગમનને કારણે પૂછપરછ વધવાની ધારણા છે, પરંતુ કડક ક્રેડિટ નીતિઓ, ઉચ્ચ CIBIL સ્કોર્સ અને ડાઉન પેમેન્ટ શરતો ખરીદી પર અસર કરી શકે છે.