For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સુરેન્દ્રનગરના થાન તાલુકામાં ગેરકાયદે કોલસાના ખનન સામે તંત્રના દરોડા

06:19 PM Mar 26, 2025 IST | revoi editor
સુરેન્દ્રનગરના થાન તાલુકામાં ગેરકાયદે કોલસાના ખનન સામે તંત્રના દરોડા
Advertisement
  • કોલસો કાઢવા માટે 150થી વધુ ખાડાઓ કરાયા હતા
  • હજારો ટન કોલસાનો જથ્થો જપ્ત કરવામાં કરાયો
  • રાજકીય ઓથને લીધે બેરોકટોક ચાલતી ખનન પ્રવૃતિ

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં કરોડો રૂપિયાનું કિંમતી ખનીજ ધરબાયેલું છે. ખનીજ માફિયાઓ બેરોકટોક ખનીજની ચોરી કરતા હોય છે. ત્યારે કલેક્ટરના આદેશથી તંત્ર દ્વારા ખનીજચોરો સામે લાલ આંખ કરવામાં આવી છે. અને જિલ્લાના થાન તાલુકામાં ગેરકાયદે કોલસા ખનનની પ્રવૃત્તિઓ પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે એકસાથે 150થી વધુ ગેરકાયદે ખાણો પર દરોડા પાડીને હજારો ટન કોલસાનો જથ્થો જપ્ત કર્યો હતો.

Advertisement

સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકામાં કાચો કોલસો ધરબાયેલો હોવાથી ખનીજ માફિયા ખાડા ખોદીને કોલસો કાઢી રહ્યા છે. ત્યારે ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે એકસાથે 150થી વધુ ગેરકાયદે ખાણો પર દરોડા પાડ્યા હતા. જેમાં જામવાળી અને ભડુલો વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી, જ્યાં અધિકારીઓએ કોલસો કાઢવા માટે ખોદવામાં આવેલા 150થી વધુ ખાડાઓ શોધી કાઢ્યા હતા. દરોડા દરમિયાન હજારો ટન કોલસાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન ખનન માટે વપરાતાં ટ્રેક્ટર અને અન્ય સાધનો પણ જપ્ત કરવામાં આવ્યાં છે. આ સાધનોનો ઉપયોગ ગેરકાયદે ખનન માટે કરવામાં આવતો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ, જિલ્લાના ખનીજ માફિયાઓ રાજકીય વગ ધરાવતા હોવાથી બેરોકટોક ખનીજની ચોરી કરી રહ્યા છે. તંત્ર દ્વારા દરોડા પાડ્યા બાદ ફરી ખનનની પ્રવૃતિઓ શરૂ થઈ જતી હોય છે. આ વખતે તંત્ર દ્વારા કોઈનીયે શેહ-શરમ રાખ્યા વિના પગલાં લેવામાં આવી રહ્યા છે. આ કાર્યવાહીથી વર્ષોથી ચાલી રહેલા કોલસાના કાળા કારોબાર પર મોટો ફટકો પડ્યો છે. ખનીજ માફિયાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. પ્રાંત અધિકારીની આ કાર્યવાહીથી ગેરકાયદે ખનન પર અંકુશ લાગશે એવી આશા સેવાઈ રહી છે.  ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમની આ કામગીરીને લોકો તરફથી પ્રશંસા મળી રહી છે. આ કાર્યવાહીથી ગેરકાયદે ખનન પર કડક પગલાં ભરવાની સરકારની પ્રતિબદ્ધતા સ્પષ્ટ થાય છે

Advertisement

Advertisement
Tags :
Advertisement