ભાવનગર માર્કેટ યાર્ડમાં કાલે 18મીથી 25મી ઓક્ટોબર સુધી હરાજી બંધ રહેશે
- દિવાળીના તહેવારોને લીધે લેવાયો નિર્ણય,
- યાર્ડમાં શાકભાજી સિવાયની તમામ હરાજી બંધ રહેશે,
- 26મી ઓક્ટોબરથી માર્કેટ યાર્ડ પુનઃ ધમધમશે
ભાવનગરઃ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC)માં દિવાળીના તહેવારોને લીધે આવતી કાલ તા. 18 ઓક્ટોબરથી 25 ઓક્ટોબર સુધી શાકભાજી સિવાય તમામ હરાજી બંધ રહેશે. માર્કેટિંગ યાર્ડમાં 25મી ઓક્ટોબર સુધી અનાજ, કઠોળ, તેલીબીયા તથા કપાસ સહિત તમામ પાકોની (શાકભાજી સિવાય) હરરાજી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ભાવનગરમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જિલ્લાભરના ખેડૂતો ખરીફ પાકના વેચાણ માટે આવતા હોય છે, ત્યારે યાર્ડના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ દિવાળીના તહેવારોને લીધે આવતી કાલ તા. 18 ઓક્ટોબરથી 25 ઓક્ટોબર સુધી શાકભાજી સિવાય તમામ હરાજી બંધ રહેશે. 26 ઓક્ટોબર, રવિવારે નવી આવક ઉતારવાની મંજૂરી આપવામાં આવશે. જ્યારે 27 ઓક્ટોબર, સોમવારથી રાબેતા મુજબ માર્કેટયાર્ડમાં જાહેર હરાજીનું કામકાજ ફરીથી શરૂ કરવામાં આવશે. તે સિવાય લીંબુની જાહેર હરાજી પણ 19 ઓક્ટોબરથી 25 ઓક્ટોબર સુધી બંધ રહેશે અને 26 ઓક્ટોબરથી પુનઃ શરૂ થશે.
યાર્ડ દ્વારા ખેડૂતભાઈઓ, વેપારીભાઈઓ તથા વાહનમાલિકોએ આ સૂચના અંગે ખાસ નોંધ લેવાની વિનંતી કરવામાં આવી છે, જેથી કોઈ મુશ્કેલી ઊભી ન થાય અને તહેવાર બાદનું વેપારિક કામકાજ સરળતાથી શરૂ થઈ શકશે.