સુરતમાં પાણીમાં સેલફોસ ભેળવીને રત્ન કલાકારોની સામુહિક હત્યાનો પ્રયાસ
- 118 રત્ન કલાકારોને પાણી પીધા બાદ ચક્કર આવવા લાગ્યા
- 6 રત્ન કલાકારોને ICUમાં ખસેડાયા
- પાણીના ફિલ્ટર પાસેથી સેલફોસનું ખાલી પાઉચ મળી આવ્યુ
સુરતઃ શહેરના કાપોદ્રા વિસ્તારમાં અનભ ડાયમંડમાં રત્ન કલાકારોને ગઈકાલે ઝેરી અસર થઈ હતી. અને રત્ન કલાકારોને હોસ્પિટલ ખસેડવા પડ્યા હતા. આ મામલે પોલીસે તપાસ કરતા એવી હકિકતો જાણવા મળી છે કે, પીવાના પાણીના ફિલ્ટરમાં સેલફોસનું પાઉચ ભેળવી દઈ સામૂહિક રીતે રત્નકલાકારોની હત્યાનું ષડ્યંત્ર રચવામાં આવ્યું હતું. ફિલ્ટરનું પાણી પીધા બાદ 118 જેટલા રત્નકલાકારોને ચક્કરની ફરિયાદ બાદ ફિલ્ટરમાંથી સેલફોસ (અનાજમાં નાંખવાની જંતુનાશક ગોળીઓનું પાઉચ) મળી આવતાં અફરાતફરી મચી ગઈ હતી. ઉતાવળે રત્નકલાકારોને કિરણ અને ડાયમંડ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા હતા. જેમાંથી 6ને આઈ.સી.યુ.માં દાખલ કરાયા હતા. આ મામલે પોલીસ દ્વારા હત્યાના પ્રયાસ BNS 109 (1)ની કલમ હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે. જે જગ્યા પર ફિલ્ટર હતું ત્યાં સીસીટીવી નથી. કારખાનાથી વાકેફ હોય તેવા વ્યક્તિ એટલે કે કારખાના કારીગર દ્વારા જ આ કૃત્ય કરવામાં આવ્યું હોય તેવી આશંકા છે. જેથી પોલીસ FSLની સાથે ટીમ બનાવીને અસરગસ્ત 118 સહિત કારખાનામાં બેસતા તમામ રત્નકલાકારોના નિવેદન નોંધવામાં આવ્યા છે.
આ બનાવની વિગતો એવી હતી કે, શહેરના ગઈકાલે કાપોદ્રા વિસ્તારના મિલેનિયમ કોમ્પ્લેક્સમાં આવેલા અનભ જેમ્સ નામના કારખાનામાં 118 રત્નકલાકારને ઝેરી દવાની અસર થઈ હતી, 118 રત્નકલાકારને પાણી પીધા બાદ ઝેરની અસર થતાં સારવાર માટે બે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં પીવાના પાણીના ફિલ્ટરમાં સેલફોસનું પાઉચ ભેળવી દઈ સામૂહિક રીતે રત્નકલાકારોની હત્યાનું ષડ્યંત્ર રચવામાં આવ્યાનું તપાસમાં ખૂલ્યુ છે. પોલીસ રત્ન કલાકારોના લિસ્ટ સહિતની તપાસ હાથ ધરી છે. તેમજ પોલીસને તપાસમાં જાણવા મળ્યું કે, કારખાનામાં પ્રવેશતા સમયે એક ગ્રીલ છે, જે લોક હોય છે. ત્યારબાદ બે દરવાજાથી અંદર પ્રવેશ કરી શકાય છે. અંદર પ્રવેશ કરતા જમણી બાજુ વધુ એક ગ્રીલ છે ત્યાંથી અંદર જતાં જમણી બાજુ પાણીનું ફિલ્ટર છે. ત્યાંથી વધુ એક દરવાજાથી કારખાનાની અંદર જઈ શકાય છે.
આ અંગે આલોક કુમાર (ડીસીપી)એ જણાવ્યું હતું કે, શંકાસ્પદ જણાયેલા ચારથી પાંચ જેટલા કારીગરોની કાપોદ્રા પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી છે. આ સાથે જ ટીમો બનાવીને વધુ તપાસ ચાલી રહી છે. અનભ જેમ્સના કારીગરોના લિસ્ટ પ્રમાણે પણ તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે જ અનભ જેમ્સની અંદર આવેલા ડીલર અને સબ ડીલરની પણ તપાસ કરવામાં આવી રહી છે. જેના માટે ત્રણ ટીમ બનાવવામાં આવી છે.