બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર યથાવત, ત્રણ મંદિરોમાં તોડફોડ
ઢાકાઃ બાંગ્લાદેશમાં બળવો થયો ત્યારથી હિંદુઓ પર અત્યાચાર ચાલી રહ્યો છે. તાજેતરમાં, ઇસ્કોનના ભૂતપૂર્વ સભ્ય સામે દેશદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો હતો. ત્યારથી ચટ્ટોગામમાં વિરોધ પ્રદર્શન ચાલુ છે. ઈસ્કોનના મુખ્ય પૂજારી ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ બાદ ભારત અને દુનિયાભરમાં બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચારની ચર્ચા થવા લાગી છે. દરમિયાન સૂત્રોચ્ચાર કરતા ધર્મઝૂનૂની ટોળાએ બાંગ્લાદેશના ચટ્ટોગામમાં ત્રણ હિન્દુ મંદિરોમાં તોડફોડ કરી હતી.
રિપોર્ટ અનુસાર, આ હુમલો બંદર શહેરના હરીશ ચંદ્ર મુનસેફ લેનમાં બપોરે થયો હતો. આ દરમિયાન હુમલાખોરોએ શાંતનેશ્વરી માતા મંદિર, શનિ મંદિર અને શાંતનેશ્વરી કાલીબારી મંદિરને નિશાન બનાવ્યા હતા. સૂત્રોચ્ચાર કરતા સેંકડો લોકોના જૂથે ઇંટો અને પથ્થરો ફેંક્યા હતા. જેના કારણે શનિ મંદિર અને અન્ય બે મંદિરોને નુકસાન થયું હતું. કોતવાલી પોલીસ સ્ટેશનના વડા અબ્દુલ કરીમે હુમલાની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે મંદિરો પર હુમલો કરનારા હુમલાખોરોએ મંદિરોને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે કહ્યું કે, આ હુમલામાં મંદિરને નુકસાન થયું છે.
બાંગ્લાદેશમાં પ્રજાએ તત્કાલિકન વડાપ્રધાન શેખ હસીના સામે મોરચો ખોલ્યો હતો અને રસ્તા ઉપર ઉતરી આવ્યાં હતા. જેથી શેખ હસીના દેશ છોડવા મજબુર બન્યાં હતા. જે બાદ ધર્મ ઝૂનૂની લોકો વધારે સક્રિય થયા હતા. તેમજ કટ્ટરપંથીઓએ હિન્દુઓને નિશાન બનાવવાનું શરૂ કર્યું હતું. બીજી તરફ વચગાળાની સરકારે હિન્દુઓની સુરક્ષા માટે કામગીરી કરવામાં આવતી હોવાનો દાવો કર્યો હતો. જો કે, તોફાની તત્વો હજુ હિન્દુઓ અને હિન્દુ ધાર્મિક સ્થળોને નિશાન બનાવી રહ્યાં છે.