દિલ્હીના સીએમ તરીકે આતિશી 21મી સપ્ટેમ્બરના શપથગ્રહણ કરે તેવી શકયતા
નવી દિલ્હીઃ લીકર પોલીસી કેસનો સામનો કરી રહેલા અરવિંદ કેજરિવાલે મુખ્યમંત્રી પદ ઉપરથી રાજીનામું આપ્યા બાદ આમ આદમી પાર્ટી દ્વારા નવા મુખ્યમંત્રી તરીકે આતિશીની પસંદગી કરી છે. હવે તેઓ આગામી 21મી સપ્ટેમ્બરના રોજ સીએમ પદના શપથ ગ્રહણ કરે તેવી શકયતા છે. દિલ્હીના ઉપરાજ્યપાલ વિનય સક્સેનાએ રાષ્ટ્રપતિ અને ગૃહમંત્રીલયને પત્ર મોકલીને 21મી સપ્ટેમ્બરના રોજ આતિશીને સીએમ પદના શપથ અપાવવા માટે તિથિ પ્રસ્તાવિત કરી છે. જો કે, હજુ સુધી આતિશી દ્વારા શપથ ગ્રહણ કરવા માટે કોઈ પણ તારીખનો પ્રસ્તાવ નહીં આપ્યો હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર લીકર પોલીસી કેસમાં 180 દિવસથી વધારે સમય જેલવાસ ભોગવ્યા બાદ અરવિંદ કેજરિવાલનો શરતી જામીન ઉપર છુટકારો થયો હતો. જેલમાંથી મુક્ત બાદ તેમને સીએમ પદ ઉપરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. જે બાદ નવા મુખ્યમંત્રીને લઈને અટકળો વહેતી થઈ હતી. દરમિયાન આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દળની બેઠકમાં અરવિંદ કેજરિવાલે સીએમ તરીકે આતિશીના નામનો પ્રસ્તાવ મુક્યો હતો. જેને તમામ ધારાસભ્યોએ સમર્થન આપ્યું હતું.