અમદાવાદમાં કાંકરિયા લેક પરિસરમાં 6 મહિનાથી બંધ પડેલી અટલ ટ્રેન શરૂ કરાઈ
- રાજકોટના અગ્નિકાંડ બાદ અટલ ટ્રેન બંધ કરવામાં આવી હતી,
- મેયર પ્રતિભા જૈન અને ધારાસભ્ય અમુલ ભટ્ટે ટ્રેનનું પ્રસ્થાન કરાવ્યુ,
- 12 વર્ષથી વધુ વયના લોકો માટે 30 રૂપિયા ટિકિટ
અમદાવાદઃ શહેરના કાંકરિયા પરિસરમાં ચાલતી અટલ એક્સપ્રેસ ટ્રેન 6 મહિના બાદ આજે મંગળવારથી ફરી શરૂ કરવામાં આવી છે. મણિનગરના ધારાસભ્ય અમુલ ભટ્ટ, મેયર પ્રતિભા જૈન સહિતના ભાજપના હોદ્દેદારોએ ઝંડી બતાવીને ટ્રેનને ફરી શરૂ કરાવી છે. મ્યુનિ.શાળાના બાળકોએ ટ્રેનમાં બેસીને મજા માણી હતી. કાંકરિયા પરિસરમાં ફરવા માટે આવતા સહેલાણીઓ આજથી આ ટ્રેનની સફરનો આનંદ માણી શકશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના કાંકરિયા પરિસરમાં ફરવા આવતા સહેલાણીઓ માટે અટલ-સ્વર્ણિમ એક્સપ્રેસ ટ્રેન વર્ષોથી ચલાવવામાં આવતી હતી. પરંતુ ગત મે મહિનામાં રાજકોટ ખાતે ગેમઝોનમાં લાગેલી આગની ઘટના બાદ રાજ્ય સરકારે તમામ એમ્યુઝમેન્ટ પાર્કની પ્રવૃત્તિઓ બંધ કરાવી હતી. જે અંતર્ગત અટલ એક્સપ્રેસ પણ બંધ કરવામાં આવી હતી. રાજ્ય સરકારની નવી પોલીસી મુજબ તમામ મંજૂરી મેળવ્યા બાદ તા. 25મી ડિસેમ્બરથી કાંકરિયા કાર્નિવલની શરૂઆત થાય તેની પહેલા આજે મંગળવારથી કાંકરિયા પરિસરમાં અટલ એક્સપ્રેસ ટ્રેન ફરી પ્રારંભ કરાયો છે. બે કિલોમીટરથી વધારે વિસ્તારમાં ફેલાયેલા કાંકરિયા પરિસરમાં પરિક્રમા કરતી અટલ ટ્રેનમાં 12 વર્ષથી ઉપરના લોકો માટે 30 રૂપિયા ટિકિટનો ચાર્જ રાખવામાં આવેલો છે. જ્યારે 12 વર્ષથી નીચેના બાળકો માટે 12 રૂપિયા ટિકિટ દર રાખવામાં આવ્યો છે. જે સ્કૂલના બાળકોને ટ્રીપ માટે લાવવામાં આવે તેમાં પ્રતિ બાળક દીઠ 12 રૂપિયા ટિકિટનો ચાર્જ ચૂકવવો પડશે. જો કે તેના માટે સ્કૂલનો પત્ર લાવવો ફરજિયાત છે. શનિવાર અને રવિવાર દરમિયાન કાંકરિયામાં ખૂબ મોટી સંખ્યામાં સહેલાણીઓ ફરવા માટે ઉમટી પડતા હોય છે. ત્યારે ટ્રેન ફરી શરૂ થવાના કારણે કાંકરિયામાં સહેલાણીઓની સંખ્યામાં પણ વધારો થશે.
શહેરના કાંકરિયા પરિસરમાં આજે મંગળવારે સવારે મણિનગરના ધારાસભ્ય અમુલ ભટ્ટ, મેયર પ્રતિભા જૈન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, શાસક પક્ષના નેતા ગૌરાંગ પ્રજાપતિ સહિતના હોદ્દેદારો અને 10થી 15 કોર્પોરેટરોની હાજરીમાં અટલ- સ્વર્ણિમ જયંતિ એક્સપ્રેસ ટ્રેન શરૂ કરાવી હતી. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલના બાળકોને ટ્રેનમાં બેસાડવામાં આવ્યા હતા. સ્કૂલના બાળકો ટ્રેનમાં બેસીને ખુબ ખુશ થયા હતા. ટ્રેન ચાલુ થતાની સાથે જ બાળકોએ વંદે માતરમ અને ભારત માતાકી જયના નારા લગાવીને ટ્રેનની સફરનો આનંદ માણ્યો હતો.