અંકલેશ્વરમાં ગણેશોત્સવમાં ડીજેના તાલે નાચી બાળકો પર ટેમ્પો ફરી વળ્યો, બાળકીનું મોત
- ડી.જે.ના ટેમ્પાની પાછળ નાચી રહેલા બાળકો પર રિવર્સ આવતો ટેમ્પો ફરી વળ્યો,
- ડીજે વગાડતા ટેમ્પાની ટક્કરે ત્રણ બાળકોને ઈજાઓ થતાં હોસ્પિટલ ખસેડાયા,
- બીજા બનાવમાં ડીજેના મોટા અવાજને લીધે આખલો ભડકતા 8 લોકોને અડફેટે લીધા
અંકલેશ્વરઃ શહેરમાં આજે ગણેશોત્સવ દરમિયાન બાપ્પાની મૂર્તિ વાજતે-ગાજતે લાવવામાં આવી રહી હતી. ત્યારે ડીજે વગાડતા ટેમ્પાની પાછળ બાળકો ડીજેના તાલે નાચી રહ્યા હતા. તે દરમિયાન ડીજેના ટેમ્પાચાલકે ટેમ્પો રિવર્સમાં લેતા બાળકોને અડફેટે લીધા હતા. જેમાં એક 5 વર્ષની બાળકીનું મોત નિપજ્યું હતુ. જ્યારે ત્રણ બાળકોને ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવમાં પોલીસે ટેમ્પાચાલક સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. જ્યારે બીજા બનાવમાં GIDCના COP-7 ગ્રુપની આગમનયાત્રામાં DJના મોટા અવાજથી ભડકીને આખલોએ 8 વ્યક્તિઓને અડફેટે લીધા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.
અંકલેશ્વરમાં ગણેશ મહોત્સવના પ્રારંભ પૂર્વે જ શ્રીજીની આગમનયાત્રા દરમિયાન બે અલગ-અલગ દુર્ઘટના સર્જાઈ છે, જેમાં એક બાળકીનું કરુણ મોત થયું છે અને અન્ય આઠથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનાઓએ ગણેશ મહોત્સવની ઉજવણીની શરૂઆતમાં જ ચિંતાનો માહોલ ઊભો કર્યો છે. અંકલેશ્વરના ગડખોલથી અંદાડાને જોડતા રોડ પર હરિકૃપા સોસાયટીની આગમનયાત્રામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ડી.જે.ના ટેમ્પાની પાછળ નાચી રહેલા બાળકો પર અચાનક જ રિવર્સ આવતો ટેમ્પો ફરી વળ્યો હતો. આ ઘટનામાં પાંચ વર્ષની બાળકી નવ્યા પ્રવીણસિંહનું ગંભીર ઈજાઓને કારણે કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ બાળકો દિયાન, જનક અને કૃષ્ણાને ઈજા પહોંચતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ બનાવમાં પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, ટેમ્પોના અસલી ચાલક રાકેશે વાહન ચલાવવાની જવાબદારી ચિરાગ વ્યાસ નામના વ્યક્તિને સોંપી હતી. ચિરાગ વ્યાસે ટેમ્પો પરથી કાબૂ ગુમાવતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે બંને આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બીજા બનાવમાં અંકલેશ્વર GIDCના COP-7 ગ્રુપની આગમનયાત્રામાં DJના મોટા અવાજથી ભડકીને એક આખલો ઘૂસી આવ્યો હતો. આખલો એકાએક ભડકીને દોડી આવતા યાત્રામાં અફરાતફરી મચી ગઈ હતી. આખલાએ ચાર મહિલા સહિત આઠથી દસ લોકોને અડફેટે લીધા હતા, જેના કારણે તેમને નાની-મોટી ઈજાઓ થઈ હતી. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે જયાબેન મોદી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.