એશિયા કપ 2025નો પ્રારંભ : ભારત-પાકિસ્તાનની ટીમો UAEમાં નેટ પ્રેક્ટિસમાં પણ વાતચીત ન થઈ
દુબઈ : એશિયા કપ 2025ની શરૂઆત આજે થઈ રહી છે. ભારત અને પાકિસ્તાનની ટીમો યુએઈ પહોંચી ગઈ છે અને પોતાની તૈયારીમાં વ્યસ્ત છે. ખાસ વાત એ રહી કે, નેટ્સ પ્રેક્ટિસ દરમિયાન બંને ટીમો સામસામે આવી, પરંતુ કોઈપણ ખેલાડીએ એકબીજા સાથે વાતચીત કરી નહીં.
અહેવાલો મુજબ, જ્યારે બંને ટીમો એકસાથે પ્રેક્ટિસ માટે પહોંચી ત્યારે કોઈ "હાય-હેલો" ન થયું. ખેલાડીઓએ પોતાની પોતાની પ્રેક્ટિસ પૂર્ણ કરી અને વાતચીત કર્યા વિના મેદાન છોડી દીધું. તેનાથી સ્પષ્ટ થયું કે મેદાનમાં ઉતરતા પહેલા બંને ટીમો એકબીજા પ્રત્યે કેટલી ગંભીર અને કેન્દ્રિત છે.
ભારતીય ટીમે દુબઈની ICC ક્રિકેટ એકેડેમીમાં પોતાનું બીજું ટ્રેનિંગ સેશન યોજ્યું હતું. આ સેશન ત્રણ કલાકથી વધુ સમય ચાલ્યું હતું. તમામ સ્પેશિયાલિસ્ટ બેટ્સમેનોએ લગભગ એક કલાક સુધી બેટિંગ પ્રેક્ટિસ કરી હતી. કોચ ગૌતમ ગંભીર તૈયારી પર નજર રાખતા જોવા મળ્યા હતા. ટીમ ટ્રેનર એડ્રિયન લે રોક્સે ફિટનેસ ડ્રિલ કરાવ્યા હતા, જ્યારે સીતાશુ કોટક સ્કોરિંગ સંભાળી રહ્યા હતા.
બીજી તરફ પાકિસ્તાનની ટીમે નેટ્સ એરિયાના એક અલગ ખૂણે પ્રેક્ટિસ કરી હતી. તેઓએ એવી પિચો પર બેટિંગ-બોલિંગ અજમાવ્યું જ્યાં બોલ ટર્ન થઈ રહ્યો હતો અને અસમાન ઉછાળો મળી રહ્યો હતો. આથી સ્પષ્ટ થયું કે પાકિસ્તાનની રણનીતિ ભારત સામેની મોટી મેચ પહેલા મુશ્કેલ પરિસ્થિતિઓમાં ખુદને અજમાવવાની છે. એશિયા કપના આરંભે જ ભારત-પાકિસ્તાનની તનાવભરી સ્પર્ધા મેદાન બહાર પણ જોવા મળી રહી છે.