બળાત્કાર કેસમાં જેલવાસ ભોગવતા આસારામને મળી રાહત, વચગાળાના મળ્યાં જામીન
- મેડિકલ ગ્રાઉન્ડ ઉપર સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન
- આસારામ જામીન દરમિયાન અનુયાયીઓને મળી નહીં શકે
- પુરાવાઓ સાથે ચેડા નહીં કરવા કોર્ટે કરી તાકીદ
નવી દિલ્હીઃ બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામ બાપુ ટૂંક સમયમાં જેલમાંથી બહાર આવશે. સુપ્રીમ કોર્ટે આસારામ બાપુને બળાત્કાર કેસમાં તબીબી આધાર પર 31 માર્ચ સુધી વચગાળાના જામીન આપ્યા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું કે વચગાળાના જામીન પર મુક્ત થયા બાદ આસારામ પુરાવા સાથે ચેડા કરવાનો પ્રયાસ નહીં કરે અને પોતાના અનુયાયીઓને મળી શકશે નહીં.
જસ્ટિસ એમએમ સુંદરેશ અને રાજેશ બિંદલની ખંડપીઠે આસારામને તેમની મુક્તિ પછી તેમના અનુયાયીઓને ન મળવાનો નિર્દેશ આપ્યો હતો. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે 86 વર્ષીય આસારામ હ્રદય રોગ ઉપરાંત વય સંબંધિત વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડિત હતા. તે માત્ર તબીબી આધાર પર જ આ મુદ્દાની તપાસ કરશે. આસારામ બાપુને વચગાળાના જામીન મળતા અનુયાયીઓમાં ખુશી ફેલાઈ છે.
આસારામને 2013માં જોધપુરના આશ્રમમાં 16 વર્ષની બાળકી પર બળાત્કારનો દોષી ઠેરવવામાં આવ્યો હતો. 2018માં તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. અગાઉ, તેણે સ્વાસ્થ્યના કારણોસર સજાને સ્થગિત કરવા માટે ઘણી વખત અરજી કરી હતી, પરંતુ આ અરજીને અગાઉ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. ગાંધીનગર કોર્ટ દ્વારા આપવામાં આવેલી આજીવન કેદની સજાને સ્થગિત કરવાની આસારામની અરજી પર સુપ્રીમ કોર્ટે 2023માં ગુજરાત સરકારનો જવાબ માંગ્યો હતો. આસારામ હાલ બળાત્કારના અન્ય એક કેસમાં રાજસ્થાનની જોધપુર જેલમાં બંધ છે.