દાહોદના જંગલ વિસ્તારમાં વાઘે રહેઠાણ કરતા હવે સરકારે કેન્દ્ર સમક્ષ વાઘણની માગ કરી
- ગુજરાત સરકારે વાઘ સંરક્ષણ અભિગમ આગળ વધારવા વાઘણની માગણી કરી,
- ગુજરાતમાં સ્થાયી થયેલા વાઘની ઉંમર અંદાજે 5 વર્ષની હોવાનું તારણ
- રતનમહાલનો જંગલ વિસ્તાર વાઘનું નવું રહેઠાણ બન્યું
ગાંધીનગર: રાજ્યના દાહોદ જિલ્લામાં મધ્યપ્રદેશની સરહદ પર આવેલા રતનમહાલના જંગલ વિસ્તારમાં વાઘએ નવુ રહેઠાણ બનાવ્યું છે. લગભગ બે દાયકા પછી ફરી એક વખત રોયલ બંગાળ વાઘ દેખાયો હોવાની ઘટના રાજ્યના વન વિભાગ માટે મહત્વની બની છે. છેલ્લા નવ મહિનાથી રતનમહાલ વન્યજીવન અભયારણ્યમાં રહેતા વાઘને હવે નવું રહેઠાણ ફાવી ગયુ છે. જેથી ગુજરાત સરકારે કેન્દ્ર સરકારને એક વાઘણ (tigress) આપવા માંગણી કરી છે, જેથી ગુજરાતનો વાઘ સંરક્ષણ અભિગમ આગળ વધારી શકાય.
વન વિભાગના સૂત્રોના કહેવા મુજબ મધ્યપ્રદેશ-ગુજરાતની બોર્ડર પર દાહોદ જિલ્લા વિસ્તારમાં સ્થિત રતનમહાલના જંગલોમાં ફેબ્રુઆરી 2025માં પહેલી વાર વાઘના પાંદડા જોવા મળ્યા હતા અને બાદમાં કેમેરા ટ્રેપમાં તેની સ્પષ્ટ તસવીર પણ કેદ થઈ હતી. જે બાદ વન વિભાગે તેનું એનાલિસિસ કરી આ વાઘની ઉંમર અંદાજે પાંચ વર્ષ હોવાનું તારણ કાઢ્યુ હતુ. તપાસમાં સ્પષ્ટ થયું કે આ વાઘ મધ્યપ્રદેશની સરહદમાંથી સ્થળાંતર કરીને ગુજરાતમાં પ્રવેશ્યો હતો. દાહોદનો રતનમહાલ અભયારણ્ય ઝાબુઆ અને મધ્યપ્રદેશના કાઠીવાડા વિસ્તાર સાથે જોડાયેલુ હોવાથી વાઘો માટે આ સ્થળ શ્રેષ્ઠ બની રહેશે.
રાજ્યના રતનમહાલના જંગલમાં વાઘ સ્થાયી થયો હોવાનું જણાતા રાજ્યના વન વિભાગે કેન્દ્ર સરકારને પત્ર લખી એક વાઘણની માંગ કરી છે. જે માંગ પાછળનું કારણ રાજ્યના વન વિભાગે દર્શાવ્યું છે કે, એકલા વાઘની સંભાળ લાંબા ગાળે શક્ય નથી. સંરક્ષણની દ્રષ્ટિએ બ્રીડિંગ પેયર જરૂરી છે. જેથી ગુજરાતમાં ટાઈગર હેબિટેટ ફરી વિકસાવી શકાય. આટલું જ નહીં રતનમહાલ સહિત નજીકના પ્રદેશોમાં વાઘ માટે યોગ્ય આવાસ, પાણી અને શિકાર પ્રજાતિઓની ઉપલબ્ધતા છે. જેથી ગુજરાત વન વિભાગે કેન્દ્રને લખેલા પત્રમાં નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) પાસેથી પણ માર્ગદર્શન માંગ્યું છે કે, ગુજરાતમાં વાઘનું લાંબા ગાળાનું નિવાસસ્થાન કેવી રીતે મજબૂત કરી શકાય.
નોંધનીય છે કે, આજથી 25 વર્ષ પહેલા વર્ષ 2001માં ગુજરાતમાં વાઘ જોવા મળ્યો હતો. ગુજરાતમાં છેલ્લે 2001માં વાઘ જોવા મળ્યા બાદ રાજ્યમાં વાઘોને ‘લુપ્ત’ ગણવામાં આવ્યા હતા. જોકે હવે 25 વર્ષે વાઘનું ફરી આગમન વનવિભાગ માટે મોટી સિદ્ધિ સમાન છે. આ માટે વન વિભાગ સતત છેલ્લા નવ મહિનાથી કેમેરા ટ્રેપપેટ્રોલિંગ ટીમોફિલ્ડ સર્વે દ્વારા વાઘની હલચલ પર નજર રાખી રહ્યું છે. જેથી તાજેતરમાં બહાર પાડેલા ફોટોગ્રાફિક પુરાવાઓએ સ્પષ્ટ કર્યું છે કે વાઘ હવે રતનમહાલના ઘણા જંગલોમાં જ સમય વિતાવી રહ્યો છે. આ મામલે વન અધિકારીઓનું કહેવું છે કે, મધ્યપ્રદેશના બાગ ફેડરેશન અને ભારતભરના વાઘોના માઇગ્રેશન રૂટને આધારે ગુજરાત સુધી વાઘનું સ્થાનાંતરવું સ્વાભાવિક છે.